- જિલ્લાના કોંગ્રેસ ધારાસભ્યના રેમડેસીવીર માટે ધરણા
- સર ટી હોસ્પિટલની મુલાકાત બાદ કલેક્ટર કચેરી સામે કર્યા ધરણા
- ધરણા કરતાંની સાથે પોલીસે કરી દરેક કોંગ્રેસીઓની ધરપકડ
ભાવનગર: જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધુ પ્રમાણમાં નોંધાતા લોકો ભયભીત બની રહ્યા છે. દર્દીઓને પુરતી સારવાર મળતી ન હોવાની વ્યાપક ઉઠતી ફરિયાદોને લઈ ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, શહેરની સરકારી સર.ટી. હોસ્પિટલ દોડી ગયા હતા અને દર્દીઓની પૂછતાછ કરી હતી અને વહિવટી વિભાગમાંથી પણ માહિતી મેળવી હતી. જોકે દર્દીઓને પુરતી સારવાર મળી રહે તેવી ભલામણો કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરતમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા એક અઠવાડિયાથી લાગી રહી છે લાંબી લાઈન
રેમડેસીવીર ઇન્જેક્શન મામલે કોંગ્રેસે કર્યા ધરણા
કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ અગાઉ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ રેમડેસીવીર ઇન્જેક્શનની અછતના કારણે દર્દીઓને સમયસર ઇન્જેક્શન મળતા નથી. ઇન્જેક્શનની વ્યવસ્થા નહીં ગોઠવાતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે આજે શુક્રવારે તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાની આગેવાની હેઠળ શહેર જિલ્લા કોંગ્રેસ પક્ષનાં આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ધરણા પર બેઠા હતા. તે વેળાએ થોડીક જ વારમાં પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી સ્થાનિક A ડિવિઝન પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. પચાસથી વધુ કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
આ પણ વાંચો: પાટણમાં રેમડેસીવીર ઈન્જેકશન માટે વહીવટી તંત્રની અનોખી પહેલ
કોરોનાની સ્થિતિ પગલે કોંગ્રેસે ભાજપ સામે કર્યા પ્રહારો
ધરણા સમયે કોંગ્રેસના કાર્યકરોએ ક્લેક્ટર કચેરી સામે સુત્રોચ્ચાર કરી ભાજપની રીતિ-નીતિની ઝાટકણી કાઢી હતી. કોંગી આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ કોરોનામાં સપડાયેલા સામાન્ય માણસો રેમડેસીવિર ઇન્જેક્શનના અભાવે મરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ 5 હજાર ઇન્જેક્શનનો સ્ટોક કરે અને ગેરકાયદેસર રીતે વિતરણ કરે તેને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તેમજ ભાવનગર શહેર અને જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ થાય તે માટે આજે કલેક્ટર કચેરી સામે ધરણા કર્યા હતા.