ભાવનગરઃ કોરોનાના પગલે દેશભરમાં લોકડાઉન અમલી બનતાં એશિયાના સૌથી મોટા શિપયાર્ડ અલંગને પણ તેની ભારે અસર થઈ હતી. જેમાં વિદેશી જહાજોને કટિંગ માટે આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ દેશભરમાં અનલોક અમલી બનતાં તેમાં છૂટછાટ આપવામાં આવી છે અને જેને લઈ હાલ વિદેશી શિપો ફરી અલંગમાં ભંગાણ માટે આવી રહ્યાં છે.
હાલમાં જ 8 જેટલા વિદેશી શિપ અલગઅલગ પ્લોટમાં બીચિંગ કરવામાં આવ્યાં છે, જ્યારે હજુ 3 વિદેશી જહાજો બહારપાણીએ કસ્ટમ ક્લિયરન્સની રાહમાં ઉભા છે. અન્ય 11 શિપ વિદેશથી અલંગ આવવા રવાના થઈ ચૂક્યાં છે. જેથી આવનારા દિવસોમાં ફરી અલંગના પ્લોટમાં વિદેશી શિપોના કટિંગનો અદભૂત નજારો નિહાળી શકાશે. જ્યારે લોકડાઉનને પગલે બહુ મોટી સંખ્યામાં શ્રમિકો અલંગમાંથી પોતાના વતન વાપસી કરી ગયાં હોય. હાલ 30થી 40 ટકા મજૂરો સાથે શિપ કટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે હવે વતન વાપસી કરી ગયેલાં શ્રમિકો ફરી અલંગમાં વાપસી કરી રહ્યાં છે જે શિપબ્રેકરો માટે પણ એક સારા સમાચાર છે.