ભાવનગરઃ શહેરની એક દીકરી જેમણે નાની વયમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ભાવનગર આમ તો કલાનગરી તરીકે પણ ઓળખાય છે. આ કલાનગરીમાં કલા કોઈ પણ હોઈ તેમાં રસ લેનાર વ્યકતિ હંમેશા શ્રેષ્ઠતાના શિખર જરૂર પ્રાપ્ત કરે છે. ત્યારે ભાવનગરની ભૂમિ ગાંધીએ પણ નાની વ્યમાં શ્રેષ્ઠતાનું શિખર પ્રાપ્ત કરીને માતાપિતા અને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. ભૂમિ ગાંધીને હાલમાં સ્વાતંત્ર્ય પર્વ પર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તો ચાલો જાણીએ ભૂમિની જીવન યાત્રા અને કલા ક્ષેત્રની સિદ્ધિ વિશે...

ભાવનગરના કોઠારી એજન્સીના તેજસભાઈ ગાંધીની એકની એક દીકરી એટલે ભૂમિ ગાંધી. હા... ભૂમિ એમનો દીકરો પણ છે અને દીકરી પણ. તેજસભાઈ અને પૂર્વીબેનની દીકરી ભૂમિ નાનપણથી બીજા ધોરણથી યોગની કલામાં રસ દાખવતી હતી. ભૂમિ નાનપણથી યોગમાં નિપુણ બની અને અંતે યોગનો શ્રેષ્ઠ એવોર્ડ માત્ર 17 વર્ષની વયે પ્રાપ્ત કર્યો છે.

ભૂમિએ ચીનમાં 2015માં યોજાયેલી ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેને અલગ-અલગ ઇવેન્ટમાં બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ સાથે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ભૂમિની સીદ્ધિને ધ્યાનમાં રાખીને એકલવ્ય એવોર્ડ સરકાર તરફથી આપવામાં આવ્યો છે. જેને લઈ ભૂમિ ખૂબ ખુશ છે.

ભૂમિ ગાંધીએ પોતાની જીવન યાત્રામાં અનેક મેડલ્સ મેળવ્યા છે. જેમાં ગોલ્ડ 30, સિલ્વર 15, બ્રોન્ઝ 3 અને ટ્રોફી 20 જેટલી અલગ-અલગ સ્પર્ધામાં મેળવી છે.

ભૂમિએ પ્રાપ્ત કરેલા એકલવ્ય એવોર્ડ પાછળ ચીનમાં યોજાયેલી સ્પર્ધા ભૂમિકા ભજવી રહી છે. 2015માં ચીનની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતમાંથી 200 સ્પર્ધકો પહોંચ્યા હતા. જેમાં ગુજરાતમાંથી 25 સ્પર્ધકો હતા અને સૌથી નાની વયની ભૂમિ ગાંધી હતી. ભૂમિ સાથે તેની માતા પૂર્વીબેન પણ ગયા હતા. ભૂમિની સિદ્ધિથી પૂર્વીબેન ગૌરવની લાગણી અનુભવે છે.

ભૂમિ ગાંધી બીજી એવી ભાવનગરની દીકરી છે, જેને એકલવ્ય એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ભૂમિ નાની વયે એવોર્ડ પ્રાપ્ત કરનાર ભાવેણાની દીકરીને હાલમાં 15 ઓગસ્ટના દિવસે શિક્ષણ પ્રધાન અને ભાવનગરના વૃદ્ધોના દીકરી કહેવાતા વિભાવરીબેન દવેના હસ્તે એવોર્ડ એકલવ્ય એનાયત કરવામાં આવ્યો હતો. ભૂમિ જેવી સિદ્ધિ દરેક દીકરીઓ કલા ક્ષેત્રમાં મેળવે તેમ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.