ભાવનગર: એલોવેરાની ડિમાન્ડ દિવસેને દિવસે વધી રહી છે. હવે એલોવેરાની ખેતીએ ખેડૂત માટે ફાયદાકારક બની ગઇ છે. એલોવેરાની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે. સમય પરિવર્તન સાથે ખેતીક્ષેત્રે પણ અનેક બદલાવો આવી રહ્યાં છે. એક સમયે ઉજ્જડ વેરાન વગડે આપમેળે ઉગતી એલોવેરા નામની વનસ્પતિનો આજે આયુર્વેદ, મેડિસિન અને કોસ્મેટીક પ્રોડક્ટ્સમાં રો-મટીરીયલમાં બહોળો ઉપયોગ અને લોકો એક ઘરગથ્થુ ઉપચાર માટે પણ ઉપયોગ કરવા લાગ્યા છે. જેથી એલોવેરાની મોટી ડિમાન્ડ વધી છે.
તળપદી ભાષામાં કુંવરપાઠું, લાબરુ સહિતના અનેક નામોથી પ્રખ્યાત આ વગડાઉવ વનસ્પતિની લોકપ્રિયતા રાતોરાત વધી રહી છે. તદ્દન સામાન્ય રોકાણ થોડી માવજત સાથે એલોવેરાની ખેતીથી ઉત્તમ આર્થિક ઉપાર્જન પ્રગતિશીલ ખેડૂતો મેળવી રહ્યાં છે. એલોવેરાની ખેતી કોઈપણ પ્રકારની જમીનમાં સરળતાથી કરી શકાય છે. એલોવેરાના છોડની જમીનમાં રોપણી કર્યા બાદ 18 માસના અંતે એલોવેરાના પાકની કાપણી કરી શકાય છે.
- સાવ ઓછા બજેટની આ ખેતીનું ઉત્પાદન
- એલોવેરાની ખેતી કરીને મબલખ કમાણી કરો
- આતંરાષ્ટ્રીય કક્ષાએ કુંવારપાઠાની ખુબ ડિમાન્ડ છે
- એલોવેરા મેડિસીન અને કોસ્મેટિક બંને રીતે ઉપયોગી
- એલોવેરાની ખેતી ખેડૂત માટે ફાયદાકારક બની
એલોવેરાના એક છોડમાંથી 7થી 10 કિલો જેટલું જેલ એટલે કે "ગર" મેળવી શકાય છે. એલોવેરાનો મહત્તમ ઉપયોગ વિવિધ કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં રો-મટીરીયલ તરીકે ઉપયોગ લેવામાં આવે છે. એક વીઘામાં એલોવેરાની ખેતીથી 35થી 40 હજાર જેવી આવક મેળવી શકાય છે. એલોવેરાની માવજતમાં માત્ર ઉચિત સમયે પિયત સિવાય બીજું કશું આપવાનું રહેતુ નથી
બીજી તરફ ભૂંડ, રોજડા સહિતના પશુ કે કીટકો થકી એલોવેરાને કશો પણ ખતરો રહેતો નથી અને તેઓ દૂર રહે છે, જે આ ખેતીનું આગવું જમા પાસું છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઘુમલી ગામના પ્રયોગશીલ ખેડૂતે પોતાની વાડીમાં એલોવેરાની સફળ ખેતી કરી ઉત્તમ આર્થિક વળતર મેળવી રહ્યાં છે.