- ખેડૂત પુત્રો હવે ખેતીની પરિભાષામાં પણ બદલાવ લાવી રહ્યા છે
- ખેડૂતપુત્રએ આયુર્વેદમાં બી ફાર્મ કર્યું અને નવી ખેતીનો પ્રારંભ કર્યો
- છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી જુવારા એટલે વિટ ગ્રાસની ખેતી કરી રહ્યા છે
- જુવારાથી દરેક પ્રકારની ચામડીના રોગ પર કાબૂ મેળવી શકાય છે સાથે,કેન્સર અને અલ્સર જેવા રોગ માટે ઉત્તમ
ભાવનગરઃ ભાવનગરમાં દિવસેને દિવસે ખેડૂત પુત્રો શિક્ષિત બનતા હવે તેઓ ખેતીની પરિભાષા બદલી રહ્યા છે. ભાવનગરના એક ખેડૂતના પુત્રે આયુર્વેદમાં બીફાર્મ કર્યું અને નવી ખેતીનો પ્રારંભ કર્યો છે. પહેલાં કાળીજીરી અને હવે વિટ ગ્રાસની ખેતી શરૂ કરી છે.
ભાવનગરના ખેડૂત ખીમજી વળિયા તેમના ખેતરમાં છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી જવારા એટલે વિટ ગ્રાસની ખેતી કરી રહ્યા છે. ત્રણ મહિનામાં ત્રણ વખત જવારાનો પાક મેળવે છે. તેમનો પુત્ર આયુર્વેદમાં બીફાર્મ કર્યું છે ત્યારથી ખીમજીભાઈ અન્ય ખેડૂતની જેમ ગાડરીયા પ્રવાહમાં નહીં સમજી વિચારીને પુત્રના કહેવા પ્રમાણે જ્યાંથી વધુ આવક મેળવી શકાય તેમ ખેતી કરી રહ્યા છે અને આર્થિક લાભ મેળવી રહ્યા છે.
વિટ ગ્રાસ એટલે ગુજરાતીમાં જવારા પણ તેનું મહત્ત્વ આયુર્વેદમાં કેટલું છે. તેની તમને મને કદાચ જાણ નહીં હોય પણ અમે તમને જેટલું અમારી સમજમાં છે. એટલું જણાવીએ તો જવારાથી દરેક પ્રકારની ચામડીના રોગ પર કાબૂ મેળવી શકાય છે. આ સાથે કેન્સર અને અલસર જેવા રોગ માટે ઉત્તમ છે. દરેક ખેડૂતે ખેતી કરતા પહેલા તેને શેમાં લાભ વધારે તે જાણીને ખેતી કરવી જોઈએ.
અમિતભાઈ પોતાના પિતાને ખેતી કરાવે છે અને પોતે જવારાનું માર્કેટિંગ કરે છે. જવારાનો પાઉડર બનાવીને આશરે 70થી વધુ કંપનીને વેચી રહ્યા છે. તેમને ત્રણ મહિનામાં 20 લાખ જેવો ફાયદો લીધો છે અને દરેક ખેડૂતને સલાહ આપી રહ્યા છે કે, લોકોને શેની વધુ જરૂર છે તેની ખેતી કરવી જોઈએ હવે ગાડરીયા પ્રવાહમાં ખેતી કરવાનું ખેડૂતે બંધ કરવું જોઈએ.
લોકો આયુર્વેદિક તરફ વળ્યા હોવાથી પાકનો સારો ભાવ મળશે
ખેડૂતોનું માનવું છે કે, દરેક ખેડૂતોએ જેમાં ફાયદો હોય તેવા પાકની માહિતી મેળવીને તેનું ઉત્પાદન કરવું જોઈએ. હાલમાં કોરોના કાળના કારણે લોકો આયુર્વેદિક તરફ વળ્યા હોવાથી ખેડૂતોના ઉત્પાદનનો સારો ભાવ મળી શકે છે.