હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ ઘણા લાંબા સમયથી નડી રહ્યું છે. હીરાનો ચળકાટ શહેર અને ગ્રામ્યવિસ્તારોમાંથી ઓછો થઇ રહ્યો છે. એક સમય હતો જ્યારે, સૌરાષ્ટ્રના દરેક ગામડાઓમાં નાના-મોટા હીરા ઉદ્યોગના કારખાના ધમધમતા હતા. જે પૈકી મોટાભાગના કારખાના હાલ બંધ થઇ ગયા છે. હવે ધીરે-ધીરે મોટા કારખાનાઓ પણ બંધ થવા લાગ્યા છે. આમ, હીરા બજારમાં થતાં ઉઠામણાંએ બજારની કેડ ભાંગી નાખી છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં હીરાના ગણ્યાં-ગાઠ્યાં કારખાના બચ્યાં છે. એમાં પણ કાચા હીરાની અછતના કારણે કારીગરોને પર્યાપ્ત કામ મળતું નથી. આવા સંજોગોમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા અનેક રત્નકલાકારો હીરા વ્યવસાય છોડી ખેતી કે અન્ય વ્યવસાય તરફ વળ્યાં છે.
હીરા બજારમાં મંદીના કારણે હીરાના કારખાનેદારો પણ ભારે પરેશાન છે. અત્યારના સમયમાં હીરા બજારમાં પહેલા જેવો માહોલ જોવા નથી. ચિઠ્ઠી ઉપર ચાલતા આ વ્યવસાયમાં અનેક લોકોએ ઉઠામણાં કરી લીધા છે, જેના કારણે અનેક વેપારીઓને કારખાના બંધ કરવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હીરા ઉદ્યોગના કારણે ગ્રામ્યવિસ્તારોમાં સ્થાનિકોને સરળતાથી રોજગારી મળી રહેતી હતી. જેમાં, વિકલાંગ વ્યક્તિઓ અને મહિલાઓ માટે પણ રોજગારીની તક રહેતી હતી. પરંતુ, હાલના સમયમાં ઉદ્યોગમાં મંદી આવતાં લોકોએ બીજો વ્યવસાય પસંદ કરી લીધો છે. જેથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માગ કરી રહ્યા છે કે, "સરકાર ઉદ્યોગ માટે ખાસ પ્રકારનું પેકેજ જાહેર કરે, જેથી હીરા ઉદ્યોગ મંદીમાંથી નીકળી શકે અને લોકોને રોજગારી મળી રહે."