બુધવારે મોડી રાત્રે રાજ્યનાં મહિલા અને બાળકલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવેએ આ તમામ સગર્ભાઓની મુલાકાત લઈ, પ્રસૂતાઓના ખબર અંતર પૂછ્યા હતા અને આરોગ્ય તંત્રને તેમની કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી, તમામ મહિલાઓની સુશ્રૂષાની પૂરતી કાળજી લેવા માટે ભલામણો કરી હતી. મુશ્કેલીઓમાં જ માનવતા વધુ સારી રીતે મૂલવાતી હોય છે અને સમસ્યાઓમાં જ સંવેદનાઓની સુવાસ વધુ પ્રગાઢ રીતે અનુભવી શકાય છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ વાવાઝોડાની સંભવિત ગંભીર પરિસ્થિતિઓના પગલે સમગ્ર રાજ્યનું સરકારી તંત્ર અને આકસ્મિક બચાવ ટુકડીઓ સજ્જ છે, ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વાવાઝોડાની ગંભીર અસરની સંભાવનાઓના પગલે સમગ્ર જિલ્લાતંત્ર મહુવામાં ઊતરી આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા સંભવિત અસરગ્રસ્ત 42 જેટલાં ગામના 28 હજારથી વધુ નાગરિકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
આ દરમિયાન મહુવા તાલુકાના અલગ અલગ ગામોમાં કુલ 29 જેટલી સગર્ભાઓ પૂરા દિવસે હોવાનું ધ્યાને આવતાં, તેમના આરોગ્ય અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ, તેમને પ્રસૂતિમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય, તે માટે તમામ મહિલાઓને જાહેર આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થાળાંતરિત કરવામાં આવી હતી. જેમાં ખરેડની 10, વાઘનગરની 3, નીચાકોટડા, દયાળ, કતપર, ડોળીયા, દુધેરીની બબ્બે તેમજ નૈપ, કળસાર, ગુજરડા, વાંગર અને બંદર એ તમામ ગામની એક-એક એમ કુલ 29 મહિલાઓને આશાવર્કરની બહેનોની મદદથી એમ્બ્યુલન્સ અથવા અન્ય વાહનોમાં તંત્ર દ્વારા મહુવા એસડીએચ ખાતે ખસેડવામા આવેલી જ્યાં 4 ગર્ભવતી મહિલાઓ દ્વારા બાળકોને જન્મ આપવામાં આવ્યો હતો. સગર્ભા મહિલાઓની દેખરેખ માટે મહિલા અને બાળકલ્યાણ પ્રધાન વિભાવરીબેને પ્રસૂતાઓને મળી તેમના સ્વાસ્થ્ય અંગે ખબરઅંતર પૂછતા તમામ સગર્ભાઓ અને પ્રસૂતાઓએ તંત્ર પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.