અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં અંગત અદાવતમાં સમાધાન માટે બોલાવી તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરી બે ઈસમો પલાયન થઇ ગયા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરતા ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓને ઝડપાયા હતા.
મૃતક જીગ્નેશ ઉર્ફે લાલો પટણી શહેરના રખિયાલ વિસ્તારમાં રહેતો હતો પણ મેઘાણીનગરની પતરાવાળી ચાલીમાં આવતો જતો હતો જે દરમિયાન ઔડાના મકાનમાં રહેતા સુરેશ પટણી તથા તેના ભાઇ મહેશ પટણી સાથે તેને અગાઉ ઝઘડો થયો હતો.
આ વાતમાં સમાધાન માટે તેમણે જીગ્નેશ ઉર્ફે લાલાને વાતચીત કરવા ઔડાના મકાન ખાતે બોલાવ્યો હતો. ત્યારબાદ બન્ને ભાઇઓએ સમાધાન કરવાની જગ્યાએ જીગ્નેશને ગાળો બોલી ગડદા પાટુનો માર માર્યો હતો. આ સમયે મહેશે તેની પાસેનુ તીક્ષ્ણ હથિયાર કાઢી જીગ્નેશ ઉર્ફે લાલાના થાપાના ભાગે તથા પગો ઉપર મારી ઇજા કરી હતી જ્યારે સુરેશે તેની પાસેની તલવાર વડે જીગ્નેશના માથાના ભાગે મારતા તે ત્યાં જ મૃત્યુ પામ્યો હતો.
હત્યા કર્યા બાદ બન્ને ભાઇઓ ત્યાંથી પલાયન થઇ ગયા હતા અને મામલો પોલીસના ધ્યાને આવતા ફરિયાદ લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે તાત્કાલીક આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપી મહેશ પટણી અને સુરેશભાઇ પટણીની પોલીસે પૂછપરછ કરતા એવી વિગતો પણ સામે આવી હતી કે અગાઉ જીગ્નેશ ઉર્ફે લાલા એ મહેશભાઈ હુમલો કરતા તેની ફરિયાદ નોંધાવી હતી જેની અદાવત રાખી તેમણે હત્યાને અંજામ આપ્યો હતો. જો કે ગુરુવારે જીગ્નેશની અંતિમ યાત્રામાં તેના પરિવારજનોએ આરોપીઓ પર પથ્થરમારો કર્યો હતો.જેથી આ મામલે મેઘાણીનગર પોલીસે અલગથી ફરિયાદ લઇ તપાસ શરૂ કરી છે.