- પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓને કોરોના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો
- રેલવે મંત્રાલયના આદેશ મુજબ માસ્ક ન પહેરતા પ્રવાસીઓ પાસેથી વસૂલાય છે 500 રૂપિયા દંડ
- રાજ્ય સરકાર અને રેલવેના નિયમો પ્રવાસીઓ માટે પાળવા ફરજિયાત
અમદાવાદઃ દેશમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ પણ પ્રવાસીઓને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓ માટે નવા નિયમ બનાવ્યા છે. હવે જે પણ પ્રવાસીએ માસ્ક નહીં પહેર્યું હોય તેમની પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.
આ પણ વાંચોઃ ભાવનગર શહેરમાં 15 દિવસમાં 50 લાખનો માસ્કનો દંડ વસૂલાયો
6 મહિનાના સમયગાળા સુધી આ નિયમ લાગુ રહેશે
ભારતીય રેલ્વે દ્વારા ટ્રેન પરિચાલન માટે નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) મુજબ, સ્ટેશનો અને પ્રવાસ દરમિયાન બધા પ્રવાસીઓએ માસ્ક અથવા ચહેરો ઢાંકવો જ જોઈએ. આ સંદર્ભમાં રેલ્વે પરિસરમાં થૂંકવા સહિત સ્વચ્છતાને અસર કરતી આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. રેલવે પરિસરમાં અને ટ્રેનોમાં થૂંકવું અને સમાન પ્રકૃતિના કૃત્યો અટકાવવા અને તમામ વ્યક્તિઓ દ્વારા ફેસ માસ્ક કે ફેસ કવર પહેરવાનું સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવે (રેલવે પરિસરમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે દંડ) નિયમ 2012, મુજબ અધિકૃત રેલવે ઓથોરિટી દ્વારા રેલવે પરિસરમાં અને ટ્રેનોમાં માસ્ક ન પહેરતા લોકોને 500 રૂપિયા સુધીનો દંડ લેવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સૂચના આગામી સૂચના સુધી 6 મહિનાના સમયગાળા માટે લાગુ રહેશે.
આ પણ વાંચોઃ રાત્રી કરફ્યૂ પહેલા આણંદ પોલીસે માસ્ક ન પહેરનારા લોકોને ફટકાર્યો દંડ
મુંબઈ ડિવિઝને 4 લાખ જેટલો દંડ વસૂલ કર્યો
પશ્ચિમ રેલવે દ્વારા માસ્ક વિના પ્રવાસ કરનારા વ્યક્તિઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ફેબ્રુઆરી 2021થી મુંબઈ ડિવિઝન દ્વારા 1,640 કેસમાં 3,99,800 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.