અમદાવાદઃ ગત 23 માર્ચ, 2020થી દેશવ્યાપી લોકડાઉન હોવા છતાં પશ્ચિમ રેલવે દ્વારા અનાજ, દૂધ, દવાઓ, કરિયાણા, કોલસો વગેરે આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે લોડિંગ ટ્રેનો નિરંતર ચાલુ રખાઈ હતી. પશ્ચિમ રેલવેએ કટોકટીના આ સમયગાળા દરમિયાન 3.79 કરોડ લિટરથી વધુ દૂધનું પરિવહન કરવામાં સફળ રહ્યું છે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે લોકડાઉન દરમિયાન આવશ્યક સામગ્રીની સપ્લાય ચાલુ રાખવા પાર્સલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનને પ્રથમ અગ્રતા આપી હતી. પશ્ચિમ રેલવે માટે ગૌરવની વાત છે કે, તે આખા ભારતીય રેલવેમાં પહેલી આવી ઝોનલ રેલવે બની ગઈ છે, જેને લોકડાઉન સમયગાળા દરમિયાન સૌથી વધુ માત્રામાં દૂધનું પરિવહન કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
માર્ચ 2020માં જ્યારે લોકડાઉન જાહેર થયું ત્યારથી અત્યાર સુધી 882 રેલવે મિલ્ક ટેન્કર્સવાળા 51 રેકનું પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના પાલનપુરથી હરિયાણાના પલવલ નજીક હિન્દ ટર્મિનલ સુધી પરિવહન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેએ પોતાની મિલ્ક સ્પેશિયલ ટ્રેનોના પરિવહનથી દૂધ અને દૂધની પ્રોડક્ટ્સની આપૂર્તિ કરી છે.
માર્ચ મહિના દરમિયાન 22થી 31 માર્ચ સુધી રેલવે મિલ્ક ટેન્કના 5 રેકોમાં 33.32 લાખ લીટર દૂધનું લોડિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે એપ્રિલ મહિના દરમિયાન રેલવે મિલ્ક ટેન્કના 15 રેકમાં 1.09 કરોડ લિટર દૂધ લોડ કરવામાં આવ્યું હતું. એ જ રીતે, મે મહિનામાં રેલવે મિલ્ક ટેન્કના 17 રેકસમાં 1.28 કરોડ લિટર દૂધ અને 28 જૂન સુધી આરએમટીના 14 રેકમાં 1.09 કરોડ લિટર દૂધ મોકલવામાં આવ્યું હતું.
આ સાથે પશ્ચિમ રેલ્વે લોકડાઉન સમયગાળા દરમિયાન 3.79 કરોડ લિટરથી વધુ દૂધનું પરિવહન કરનારી પ્રથમ ઝોનલ રેલવે બની છે. પશ્ચિમ રેલવેએ જરૂરી ચીજવસ્તુઓના પરિવહનને સુનિશ્ચિત રાખી છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા કુલ 51 દૂધ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે, જેમાં 37 હજાર ટનથી વધુનું વજન હતું અને 100 ટકા વેગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી 6.45 કરોડની આવક થઈ છે. એ જ સમયગાળા દરમિયાન આ દૂધની રેકોમા 4.08 લાખ કિલો દૂધ ઉત્પાદનોનું પણ પરિવહન પણ કરવામાં આવ્યુ હતું. પશ્ચિમ રેલવેએ દૂધની આટલી મોટી માત્રાના પરિવહનથી આખા ભારતીય રેલવેમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.