- ગાંધી આશ્રમની મુલાકાતે આવે છે અનેક મહાનુભાવ
- ચરખા ઉપર દોરો બનાવવો તે એકાગ્રતાનું કામ
- ગાંધી આશ્રમમાં VIP ચરખોમાં મહાનુભાવ તેની પર કાંતી ચુક્યા છે રૂ
અમદાવાદઃ મહાત્માં ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1868ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેઓએ શાળાનું શિક્ષણ ગુજરાતમાં મેળવ્યુ હતું. તેઓ વકીલાત ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા અને તેની પ્રેક્ટિસ કરવા સાઉથ આફ્રિકા ગયા હતા. 1915માં તેઓ ભારત પરત ફર્યા હતા. ભારત દેશને આઝાદ કરવાનું તેમને બીડું ઝડપ્યું હતુ. 1917માં તેમણે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આશ્રમ સ્થાપ્યો હતો.
સ્વરોજગારીના સાધન સ્વરૂપે ચરખો અપનાવતા મહાત્માં
અંગ્રેજ રાજમાં ભારતની ગરીબી જોઈને કરુણતાથી ગાંધીજીનું હૃદય ઉભરાઈ આવ્યું હતુ. ગાંધીજીએ ફક્ત એક જ વસ્ત્ર ધારણ કરવાનો સંકલ્પ કર્યો હતો. ભારતની સ્થિતિ જોઈને તેમણે કોઈ એવું સાધન શોધવાનું વિચાર્યું કે, જે લોકોને આત્મનિર્ભર બનાવે અને આઝાદીની લડતમાં મહત્વપૂર્ણ સાબિત થાય તેમને આવું જ એક સાધન મળ્યું અને તે હતું 'ચરખો'. ખરેખર તો ચરખો પહેલથી જ ભારતમાં હતો. ભારતના જુદા-જુદા રાજ્યમાં તેના અલગ-અલગ પ્રકાર હતા. જેમ કે અંબર ચરખો, રાજસ્થાની ચરખો, પંજાબી ચરખો, મહારાષ્ટ્રીયન ચરખો જે ગામડાઓમાં પણ ઘણા લોકો ચરખાના ઉપયોગ દ્વારા કાપડ બનાવતા હતા પરંતુ ગાંધીજીએ તેને આગવું મહત્વ આપી અને ભારતની આઝાદીના લડાઈનો પ્રતિક બનાવ્યો હતો.
![ગાંધી આશ્રમમાં VIP ચરખોઃ અનેક મહાનુભાવ તેની પર કાંતી ચુક્યા છે રૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-12-gandhi-ashram-charkha-video-story-7209112_13032021190555_1303f_1615642555_307.jpg)
1948માં ગાંધીજીના દેહાવસાન બાદ આશ્રમ તેમની યાદ સમો બની રહ્યો
ગાંધીજીના અવસાન બાદ ગાંધીઆશ્રમને પૂર્વ વાડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 'ગાંધી આશ્રમ' મેમોરિયલમાં ફેરવ્યું હતુ. અહીં ગાંધીજીનો રહેણાંક ઓરડો 'હૃદયકુંજ' ઉપરાંત, પિક્ચર ગેલેરી, તેમના પ્રાર્થનાની જગ્યા સ્થળો આવેલા છે. આ આશ્રમની મુલાકાત લેવા દર વર્ષે હજારો લોકો દેશ-વિદેશથી આવતા અહીં હોય છે પરંતુ મહાત્મા ગાંધીનું નામ વિશ્વના આગળની હરોળમાં વિભૂતિઓમાં આવે છે, ત્યારે વિદેશથી આવતા મહાનુભાવ ભારતમાં કે, ગુજરાત આવે ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેવાનું ચુકતા નથી. મૂળ ગુજરાતી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિદેશના ઉચ્ચ નેતાઓને આશ્રમમાં લઇ આવે છે.
તાજેતરના વર્ષોમાં ગાંધી આશ્રમની મુલાકાત લેનાર વિદેશી મહેમાન
પાછલા કેટલાક વર્ષોમાં જોઈએ તો 2020માં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, 2014માં ચીનના પ્રમુખ શી ઝિંગ પિગ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આશ્રમની મુલાકાત લીધી હતી. એ બાબત નોંધવા લાયક છે કે, જ્યારે કોઈ વિદેશી મહેમાન આશ્રમ આવે છે, ત્યારે તેમને ચરખો જોઈને આશ્ચર્ય થાય છે. તેઓ તેની પર કામ કરવા ઉત્સુક બને છે. તેઓ તેની ઉપર દોરો બનાવવાની કોશિશ પણ કરે છે. જો કે ચરખા પર કામ કરવા માટે એકાગ્રતા અને કળા જોઈએ તેથી મહેમાનોને એક જ દિવસમાં તે ફાવી જાય તે શક્ય પણ નથી.
આપણ વાંચોઃ વડાપ્રધાન મોદી અમદાવાદના ગાંધી આશ્રમ વિસ્તારથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે
વડાપ્રધાને શી ઝિંગ પિગને ચરખો ચલાવતા શીખવ્યું હતું
આશ્રમમાં આવતા વિદેશી મહેમાનો વિશે વાત કરતા આશ્રમના ગાઈડ પ્રતિમા વોરા જણાવે છે કે, ઘણા મહાનુભાવો આશ્રમની મુલાકાત કરે છે. જેમાં અનેક દેશના રાષ્ટ્રપ્રમુખ તેમજ વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે. જ્યારે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી ઝિંગ પિગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આશ્રમમાં આવ્યા હતા. ત્યારે તેઓએ ચરખો જોઈને આશ્ચર્ય થયું અને તે કેવી રીતે કામ કરે છે ? તે વિશે તેમને જાણવું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ચરખો કેવી રીતે કાર્ય કરે છે, તે જણાવ્યું હતું. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન સાથે આશ્રમમાં આવ્યા હતા, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચરખા વિશે પૂછ્યું હતું, ત્યારે વડાપ્રધાને તેમણે આશ્રમની બહેનોને બોલાવીને ચરખા ઉપર કેવી રીતે કામ થાય છે. તે શીખવવા જણાવ્યું હતું.
આશ્રમને ભેટ મળેલા ચરખો બહાર રખાય છે
આશ્રમના રહેવાસી લતાબેન જણાવે છે કે, જ્યારે વિદેશથી કોઈ મહાનુભાવ આવવાના હોય, ત્યારે કોઈને ચરખા પર હાજર રહેતું નથી. પરંતુ જ્યારે તે મહાનુભાવો ચરખાને જોવે છે અને તે કેવી રીતે કામ કરે છે. તે જોવાની ઈચ્છા વ્યક્ત કરે, ત્યારે આશ્રમમાંથી જ બહેનોને બોલાવીને તે ચરખા ઉપરની કામગીરીનું નિદર્શન કરાય છે. ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીજી જે ચરખો વાપરતા હતા તે એક રૂમમાં સુરક્ષિત રખાયો છે. જ્યારે હાલ જે રેપ્લિકા ઉપર મહાનુભાવો તેમજ આવતા પ્રવાસીઓને નિદર્શન આપવામાં આવે છે. તે આશ્રમની નજીક રહેતા જ એક વ્યક્તિએ આશ્રમને ભેટમાં આપ્યો છે. પરંતુ અત્યારે કોરોનાની પરિસ્થિતિને લઈને ચરખા પર નિદર્શન અપાતું નથી.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુને ચરખો ચલાવતા ફાવ્યું નહી
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ચરખા પર કામ કરતા ફાવ્યું નહોતું. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મજાકમાં કહ્યું હતું કે, જો તેઓ ચરખા ઉપર કામ કરશે તો તેઓ ડોરા તોડશે અને તેવું જ બન્યું હતું. જો કે તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પે ચરખો ચલાવ્યો હતો.જ્યારે ચીનના વડાપ્રધાન ઝી જિનપિંગને આશ્રમ તરફથી નાનકડા ચરખાની ભેટ આપવામાં આવી હતી ત્યારે ચાઈનીઝ વડાપ્રધાનની સિક્યુરિટીએ પણ તેમને ચરખો કેવી રીતે ચાલે છે તે વિશે પૂછ્યું હતું ત્યારે આશ્રમવાસીઓએ ચરખો ચલાવવાની રીત તેમને શીખવી હતી.
અંગ્રેજી શાસનમાં દબાયેલ વર્ગ ચરખો વાપરતો
આશ્રમ ડિરેક્ટર અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે, સમાજના નીચલા વર્ગના લોકો તથા મહિલાઓ, ગામડામાં રહેતા લોકો તે સમયે ચરખો વાપરતા. ચરખો સ્વદેશી સંસાધનો ઉપયોગ કરવા વાળો અને સ્વાવલંબન પૂરો પાડનાર હતો,એટલે ગાંધીજીએ તેને સ્વતંત્રતા સંગ્રામમાં પ્રતીક તરીકે પસંદ કર્યો. ગાંધીજીએ કહ્યું હતું કે, 'સૂતરના તારમાં તેમને સ્વરાજ્ય દેખાય છે'. ચરખો ચલાવવો એ એક યોગ, ઉધમ અને સામાજિક-આર્થિક પ્રવૃત્તિ કરવાનું કામ છે. એટલે ગાંધીજીના પ્રતીકરૂપે આશ્રમમાં ચરખો રખાય છે.
કેનેડાના વડાપ્રધાનના આંખમાંથી આંસુ વહ્યા
જે પણ મુલાકાતીઓ ગાંધીજીના વિચારોને જાણવા માંગતા હોય તેમને અહીં ચરખો ચલાવીને કેવી રીતે તેની પર રૂમાંથી દોરો બને છે. તેનું નિદર્શન અપાય છે. તે લોકો માટે પ્રેરનાનો સ્ત્રોત બને છે. આશ્રમના ડિરેક્ટર અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના પરિવાર સાથે આશ્રમની મુલાકાતે આવ્યા હતા અને તેમને ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવ્યો. ત્યારે તેમના આંખમાંથી રીતસર આંસુ વહેતા જોઈ શકાતા હતા.
આશ્રમના મહાનુભાવોના મુલાકાતની નાની ઝલક
આ ઉપરાંત જો વાત કરીએ તો કેટલાક ખ્યાતનામ લોકોએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. જેમાં 1961માં ઇંગ્લેન્ડની રાણી ક્વીન એલિઝાબેથ, 1984 માં દલાઈલામા, 1995માં આફ્રિકાના ગાંધી કહેવાતા નેલ્સન મંડેલા, 1995 માં જ અમેરિકાના હિલેરી ક્લિન્ટન, 2001માં અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, 2002માં ભારતના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ તે વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન મુખ્યપ્રધાન અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અહીં આવ્યા હતા. 2007 મૂળ ભારતીય અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, 2009 માં ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, 2009માં માર્ટીન લ્યુથર કિંગ ત્રીજો, 2010માં અમિતાભ બચ્ચન, 2015માં યુનાઈટેડ નેશન્સના તે સમયના જનરલ સેક્રેટરી બાન-કી-મૂને આશ્રમની મુલાકાત લીધી હતી. આ મહાનુભાવોમાં અમિતાભ બચ્ચન, ઝી જિનપિંગ, ભૂતાનના રાણી, અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પ, ઇઝરાયલી પ્રધાનમંત્રી, બેન્જામિન નેતન્યાહૂ, પ્રતિભા પાટીલ વગેરેએ ચરખા પર હાથ અજમાવ્યો હતો.
અમદાવાદથી આશિષ પંચાલનો વિશેષ અહેલા..