અમદાવાદઃ વિજય રૂપાણી માત્ર 24 વર્ષની નાની વયે રાજકારણમાં આવ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. 1976માં તેમણે ભૂજ અને ભાવનગરની જેલમાં એક વર્ષ માટે મીસા હેઠળ જેલવાસ ભોગવ્યો હતો. કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનમાં જોડાયા હતા. કોર્પોરેટર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર વિજય રૂપાણી આજે મુખ્યપ્રધાન સુધીના પદે પહોંચ્યા છે. તેઓ લો પ્રોફાઈલ રહેવાનું પસંદ કરે છે. બાળપણથી વિજય રૂપાણી RSSના આદર્શોને વરેલા રહ્યા છે. જેઓ સહેલાઈથી જવાબદારી ઉપાડી લે છે અને પડકારોનો સામનો કરવાની તેમની હિંમત દાદ માંગી લે તેવી છે.
વિજય રૂપાણી જૈન પરિવારમાંથી આવે છે, જેથી વિનમ્રતા અને સાલસતા તેમના ઉછેરમાં મળી છે. તેમનો જન્મ બર્માના તત્કાલીન રંગુન શહેરમાં થયો હતો. પણ તેમનો ઉછેર રાજકોટમાં થયો અને કારકિર્દીનું ઘડતર પણ રાજકોટમાં થયું છે. મુખ્યપ્રધાન પદે રહીને ચાર વર્ષ દરમિયાન તેમણે અનેક કાર્યો કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમણે વિકાસની જે કેડી કંડારી હતી, જે યોજનાઓ ઘડી હતી, અને જે વિકાસના કામો શરૂ કર્યા હતા, તે વિકાસના કામોને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અને હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આગળ ઘપાવી રહ્યા છે. તમામ યોજનાઓ પ્રજાની સુખાકારી માટે છે, તેમાં યોગ્ય નાણાની ફાળવણી કરીને તે ગુજરાતના ગ્રોથને આગળ લઈ જવા કાર્ય કરે છે. ગુજરાતના વિકાસની વાત આવે ત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ યાદ આવે. પણ હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યપ્રધાન નિતીન પટેલ આ વિકાસ યાત્રાને આગળ લઈ જઈ રહ્યા છે. ગુજરાતને વિકાસના રોલ મોડલ તરીકે અન્ય રાજ્યો જોઈ રહ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતે ઘણી પ્રગતિ કરી છે.
વિજય રૂપાણીના નેતૃત્વમાં વર્ષ 2017માં ગુજરાતનો વિકાસ દર 9.9 ટકા અને 2018માં 11.1 ટકા થયો હતો. જે ભારતના વિકાસ દર 6.9 ટકા અને 6.4 ટકા કરતાં વધારે છે. ભારતના વિકાસમાં ગુજરાતનો સિંહ ફાળો છે, તેનું ગૌરવ છે. નાણાકીય વર્ષ 2020-21નું ગુજરાતનું બજેટ રૂપિયા 2,17,287 કરોડના કદનું હતું, જે વર્ષ 2019-20ના અંદાજ કરતાં રૂપિયા 12,472 કરોડનો વધારો દર્શાવે છે. રૂપિયા 285 કરોડનું પુરાંતવાળુ બજેટ રજૂ થયું, તે પણ ગુજરાતની વિકાસગાથા ગાય છે.
વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારની તમામ યોજનાને ગુજરાતમાં અમલી બનાવી છે, અને તેનો સીધો આર્થિક લાભ ગુજરાતને થયો છે. કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતના ખાતામાં સીધા રૂપિયા 6000 જમા થયા છે. રાજ્યમાં કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું હતુ, ત્યારે વિજય રૂપાણીએ રૂપિયા 3,795 કરોડનું સૌથી મોટુ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું.
22 માર્ચ, 2020થી કોરોના કાળ શરૂ થયો, ત્યારે ગુજરાત સરકારની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જનતા કરફ્યૂ, અને ત્યાર પછી લૉકડાઉન આવ્યું, તેમ છતાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થયો હતો. હાલ અનલોક-3 ચાલી રહ્યું છે, તેમછતાં ગુજરાતમાં 6 ઓગસ્ટ, 2020ના રોજ કોરોનાના 66,778 કેસ નોંધાઈ ચુક્યા છે, અને 2584ના મોત થયા છે. આવા કપરા કાળમાં રૂપાણી સરકારે અમદાવાદ અને સૂરતમાં 1200 બેડની કોવિડ-19ની ડેડિકેટેડ હોસ્પિટલ બનાવી હતી, જેથી કોઈ કોવિડ-19ના દર્દીને મુશ્કેલી ન પડે, અને સારી સારવાર મળી રહે.
કોરોનાના દર્દીઓની સંખ્યા વધતાં સરકારે હોસ્ટેલમાં કોવિડ-19ના સેન્ટર શરૂ કર્યા હતા. સામાન્ય ચેપવાળા દર્દીઓને ત્યાં સારવાર માટે દાખલ કરાયા હતા. આમ કોરોના કાળમાં રૂપાણી સરકારે સક્રિય રહીને પણ સારી કામગીરી કરી છે. કોરોના ટેસ્ટિંગના ભાવ બાંધ્યા, ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સારવારની છૂટ આપી, તેની સાથે રોજના સારવાર ખર્ચના પેકેજના ભાવ પણ બાંધી આપ્યા, જેથી ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસે લૂંટ ન ચલાવી શકે. કોરોના વોરિયર્સને 25 લાખનો વીમો આપ્યો, રાજ્યના તમામ જિલ્લામાં કોવિડ-19 હોસ્પિટલ ટૂંકા ગાળામાં શરૂ કરી, જો કે રૂપાણી સરકારે ઑવરઑલ સારી કામગીરી કરી છે. કયાંક ચૂક રહી ગઈ હશે, પણ તેને સુધારો કરવાનો પુરો પ્રયત્ન કર્યો છે.
કોરોનાકાળમાં બેકાર થયેલા લોકો માટે રૂપિયા 14,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. નાના વેપારીઓ માટે આત્મનિર્ભર સહાય યોજના-1 જાહેર કરી, દરેક નાના વેપારીને ચાર ટકાના સસ્તા વ્યાજ દરે એક લાખની લોન આપી, અને હજી આ લોન આપવાનું ચાલું છે. હાલ તો રૂપાણીના ચાર વર્ષ હેમખેમ પૂર્ણ થઈ ગયા છે, પણ હવે પછીનું પાંચમું વર્ષ અત્યંત કઠીન છે. કપરા ચઢાણ હવે ચઢવાના આવશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી સપ્ટેમ્બરમાં આવી રહી છે, તે 8 બેઠકો જીતવા માટે સૌથી મોટો પડકાર હશે. ત્યારબાદ ગુજરાતમાં 8 મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જે ડિસેમ્બર સુધીમાં યોજાય તેવી શક્યતા છે. 8 મહાનગરપાલિકાની ચૂંટણી જીતીને ફરીથી ભાજપનું રાજ પ્રસ્થાપિત કરવું, લોકોનો વિશ્વાસ કેળવવો મુશ્કેલ છે, જ્યારે સામે કોંગ્રેસ મજબૂત થઈ રહી છે. હાર્દિક પટેલને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે, જે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ટક્કર આપી શકે છે, તો સામે પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી. આર. પાટિલની વરણી કરી છે. પાંચ વર્ષ પૂર્ણ થાય તે પહેલા વિજય રૂપાણીએ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવું પડશે. ભાજપમાં અંદરોઅંદર રોષ ફેલાઈ રહ્યો છે, જેથી સીનીયર નેતાઓને યોગ્ય સ્થાન મળે તે માટે પગલા લેવા પડશે.
કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેને કારણે ભાજપના જ નેતાઓને અન્યાય ન થાય તે જોવાનું રહેશે. સ્થાનિક નેતાગીરીમાં અસંતોષ ન થાય અને તેમને યોગ્ય સ્થાન મળે તેના માટે વિજય રૂપાણીએ વિચારવું પડશે, તો જ ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી જીતી શકાશે. 2022ની ચૂંટણી રૂપાણીના નેતૃત્વમાં લડાય તે માટે વિજય રૂપાણીએ અત્યારથી પ્રજાલક્ષી કામ કરવા પડશે, અને પાર્ટીમાં પણ અસંતોષ દૂર કરવો પડશે.
ભરત પંચાલ બ્યૂરો ચીફ અમદાવાદ