અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકતરફ મોટી સંખ્યામાં દર્દીઓના મોત નીપજ્યાં છે ત્યાં મર્યાદિત વેન્ટિલેટરની સ્થિતિ આરોગ્ય સુવિધા પર ઘણાં પ્રશ્નો ઉભા કરે છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં માત્ર 180 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. કોરોના વધતા કેસને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટની જસ્ટિસ જે.બી. પારડીવાલાની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે યુ.એન. મહેતા, કિડની હોસ્પિટલ સહિત જૂની વી.એસ. હોસ્પિટલને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાની ટકોર કરી હતી. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા યુ.એન. મહેતા હોસ્પિટલ અને કિડની હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે. યૂ.એન.મહેતામાં 269, કિડની હોસ્પિટલમાં 202, GCRIમાં 206, બાપુનગર ESICમાં કોરોના દર્દીઓ માટે 56 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે જૂની વી.એસ. હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર ઉપલબ્ધ કરાશે કે કેમ એ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી.
અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલમાં માત્ર 25 જેટલા પલ્મોનોલોજિસ્ટ ઉપલબ્ધ
કોરોના મૂળ ફેફસાં સબંધિત બીમારી છે અને તેના મૂળ સ્પેશ્યલિસ્ટને પલ્મોનોલોજિસ્ટ કહેવામાં આવે છે. 1200 બેડની અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલમાં માત્ર 5 પલ્મોનોલોજિસ્ટ અને ખાનગી હોસ્પિટલમાંથી બોલાવવામાં આવતાં 20 જેટલા પલ્મોનોજિસ્ટ આમ કુલ 25 પલ્મોનોલોજિસ્ટ કાર્યરત છે જે દર 2-3 દર કલાકમાં દર્દીઓની સારવાર માટે વોર્ડમાં રાઉન્ડ મારે છે. કોવિડ હોસ્પિટલમાં કુલ 25 વોર્ડ આવેલા છે અને દરેક વોર્ડમાં દર્દીઓના બેડ વચ્ચે 6 ફૂટ ગેપની વ્યવસ્થા કરાઈ છે. દર્દીઓને સિલ્વર સ્ટાર હોટલમાંથી દિવસમાં 8 વાર સપ્લીમેન્ટ આપવામાં આવતો હોવાનો સરકારે દાવો કર્યો છે.
ધમણ-1ના ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી નથી - કોંગ્રેસ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં થતાં મોત માટે પ્રાથમિક વેન્ટિલેટર ધમણ-1ને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. 26મી મેના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા અને તેમની પાર્ટીના ધારાસભ્યો સિવિલ કોવિડ હોસ્પિટલના ઓએસ઼ડી ડૉ. એમ.એમ પ્રભાકરની એપોઇન્ટમેન્ટ લીધી હોવા છતાં તેમની સાથે મુલાકાત કરી નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે 04 એપ્રિલ થી 15 મે સુધીમાં કેટલા દર્દીઓની સારવારમાં ધમણ-1નો ઉપયોગ કરાયો છે તેની વિગતો વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વેન્ટિલેટર ધમણ-1નો ઉપયોગ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે જોકે જરૂર પડશે તો ઉપયોગ કરી શકાય છે. કોંગ્રેસ ગુજરાતમાં કોરોના ફેલાવવા પાછળ મોદી-ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જવાબદાર માની રહી છે અને આ મુદ્દે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં રિટ દાખલ કરશે.
ક્રિટિકલ બેડ વધુ હોવાથી 11 કન્ટેનમેન્ટ વિસ્તારના મોટાભાગના દર્દીઓને સિવિલમાં દાખલ કરાયાં
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓની કોરોનાથી મોત અંગે રાજ્ય સરકારે જણાવાયું હતું કે સિવિલમાં ક્રિટિકલ બેડની સંખ્યા 496 હોવાથી 11 કન્ટેનમેન્ટ વિસ્તારોમાંથી આવતા મોટાભાગના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે SVP હોસ્પિટલમાં માત્ર 153 ક્રિટિકલ બેડ ઉપલબ્ધ હોવાથી પાલડી અને કેટલાક પૂર્વી અમદાવાદના મધ્યમવર્ગીય પરિવારોને SVPમાં દાખલ કરાયા હતા. નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે 1200 બેડની હોસ્પિટલ ઉભી કરાઈ છે જ્યારે SVPમાં કોરોનાની સારવાર માટે 850 બેડ ઉપલબ્ધ છે.
આરોગ્ય વિભાગ તરફથી પત્રકારોને કોરોના સબંધિત માહિતી માટે અપાતી અખબારી યાદીમાં માહિતી મર્યાદિત કરાઈ
ગુજરાતમાં કોરોનો પ્રથમ કેસ 21 - 22મી માર્ચના નોંધાયો હતો અને એ સમયે આરોગ્ય વિભાગ દ્વારા સવાર સાંજ બે-વાર પત્રકાર પરિષદ યોજવામાં આવતી હતી. ક્યા હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત થયું છે એ હોસ્પિટલના નામની માહિતી પણ 05મી મે થી આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં આપવામાં આવતી નથી. હાલમાં જ સતત બે દિવસ સુધી આરોગ્ય સચિવ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી નથી, માત્ર અખબારી યાદી થકી માહિતી આપવામાં આવે છે. 26મી મેના રોજ અખબારી યાદીમાં બધા જિલ્લાની માહિતી આપવામાં આવી નથી.
પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ ક્યાં?
આ મુદ્દે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે સરકાર આરોગ્ય બજેટ માટે ફાળવેલ નાણાંનો યોગ્ય ઉપયોગ કરાતો નથી. વેન્ટિલેટરની ઓછી સંખ્યામાં એ પૂરતા સાધનો નથી એ દર્શાવે છે. હોસ્પિટલમાં પેરા મેડિકલ સ્ટાફ, નર્સ અને સાધનોની કમીને લીધે સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી આટલા બધા દર્દીઓના મોત થયા છે. સરકાર દ્વારા આરોગ્ય માટે ફાળેલ પૈસા આખરે ક્યાં જાય છે, શું તેને ઉત્સવ કે ફેસ્ટિવલમાં વાપરવામાં આવે છે. સરકાર કોરોનાને ડામવામાં સતત નિષ્ફળ રહી છે.અમદાવાદમાં વર્તમાનમાં સમયમાં દરરોજ લગભગ 230 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને કુલ આંકડો 10 હજારને પણ વટાવી ચૂક્યો છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 915 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
- આકિબ છીપાનો અહેવાલ, ઈટીવી ભારત, અમદાવાદ