અમદાવાદઃ કોરાનાની મહામારી અને કર્ફ્યૂ વચ્ચે શહેરના બાપુનગરમાં 30 જેટલા શખ્સોએ ભેગા મળી ગુરુવારે રાતે ૧૨ વાગ્યે તલવારથી કેક કાપીને બર્થ-ડેની ઉજવણી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પરંતુ બનાવની જવાબદારી માટે બાપુનગર, નિકોલ અને ઓઢવની પોલીસ જવાબદારીમાંથી છટકી હતી. જો કે, અંતમાં બાપુનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદમાં દિવસેને દિવસે જાહેરમાં તલવારથી કેક કાપીને જન્મ દિવસની ઉજવણીના બનાવો વધી રહ્યા છે. અત્યારે અમદાવાદમાં કોરાનાની મહામારીના કારણે ચારથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત કોરોના સંક્રમણ રોકવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં રાતે ૧૦થી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે જેનો અમલ શરૂ છે. તેવા સંજોગોમાં ગુરુવારે રાતે ૧૨ વાગે 30 જટેલા શખ્સોએ બાપુનગર વિસ્તારના ખોડિયારનગર ચાર રસ્તા નજીક જાહેરમાં બર્થડે ઉજવણીનું આયોજન કર્યું હતું અને ટેબલ ઉપર કેક મૂકીને એક યુવકે તલવારથી કેક કાપી હતી.
આ કેક કાપવાની ઘટનાનો વીડિયો આજે શનિવારે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેને લઇને પોલીસ હરકતમાં આવી હતી. બાપુનગર પોલીસે ચામુંડાનગર સત્યમ ફ્લેટ સામે રહેતા સુરેશસિંગ એમ રાજપુરોહિત અને વિવેક વાળાની અટકાયત કરી હતી. આ બનાવ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર નિરવ વ્યાસના જણાવ્યા મુજબ, જે બનાવ બન્યો તે હદ બાપુનગર પોલીસ સ્ટશનમાં આવતી નથી. જેથી ઓઢવ અને નિકોલ પોલીસનો સંપર્ક કરતાં તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરે પણ પોતાની દહ નહીં હોવાનું કહીને વાતને ટાળી હતી. આમ ગંભીર ઘટના બની હોવા છતાં પોલીસે હદનું બહાનું શોધીને છટકબારી કરી હતી.