- રાજ્યમાં ચોમાસામાં પાણી જન્ય રોગો સામે આવ્યા
- તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા કેસો સામે આવ્યા
- રાજ્યમાં 80 લાખથી વધુ લોકોના કરવામાં આવ્યા બલ્ડ ટેસ્ટ
- આરોગ્ય વિભાગ કરાયું સ્ટેન્ડ બાઈ
ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાની સીઝનની શરૂઆત થતાં જ દર વર્ષે પાણીજન્ય રોગો પણ સામે આવે છે. ચોમાસાના પ્રથમ રાઉન્ડ બાદ વરસાદ ખેંચાવાના કારણે વરસાદ અને તાપ બંનેનું સમન્વય વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થયો અને પાણીજન્ય રોગો સામે આવી રહ્યાં છે. મહત્વનું છે કે ગુજરાતમાં વર્તમાન સમયમાં ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલની ઓપીડીમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને વાયરલ બીમારીઓના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં રોગચાળો વધે નહીં તે માટે 580 જેટલી આરોગ્યની ટીમને કાર્યરત કરવામાં આવી છે.
રાજ્યમાં 80 લાખથી વધુ લોકોના લેવાય સેમ્પલ
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા કોર્પોરેશનમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, અને મેલેરિયાના કેસો સામે આવ્યા છે. આ બાબતે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે ETV Bharatને જણાવ્યું હતું કે રાજ્યમાં વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે જેને લઇને રાજ્યમાં 80,73,000 લોકોના લોહીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વસતિના ૧૨ ટકા જેટલા લોકોનું લોહીનું પરીક્ષણ કરીને બીમારીની જડ પકડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
હજારો કેસ સામે આવ્યા
વાઇરલ બીમારી અંગેના કેસ અંગે મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે મેલેરિયાના 2,132, ડેન્ગ્યુના 1,042 અને ચિકન ગુનિયાના 490 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે ગત વર્ષ કરતા આ વર્ષે કેસની સંખ્યામાં વધારો થયો છે. આ બાબતે તેમમે જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોનાની મહામારીની બીકને લઈને લોકો ઘરની બહાર નિકળવાનું ટાળતા હતા, પરંતુ હવે બીજી લહેર જેમ શાંત પડી છે ત્યારે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. હરી ફરી રહ્યા છે પ્રવાસન સ્થલો પર પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને માટે જ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
580 જેટલી આરોગ્યની ટીમ કાર્યરત
આ બીમારીઓ રાજ્યમાં જે રીતે ફેલાઈ રહી છે તેને ધ્યાને લેતા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ કોર્પોરેશન વિસ્તાર, જિલ્લા વિસ્તાર અને તાલુકા વિસ્તારોમાં કુલ ૫૮૦ જેટલી આરોગ્યની ટીમને વાયરલ બીમારીઓને કંટ્રોલ કરવા માટે કાર્યરત કરવામાં આવી છે. રાજ્યમાં જ્યાં રોગચાળો વધારે પ્રમાણમાં હોય તેવા 443 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. કોરાના કાળમાં જે રીતે અત્યારે ચોમાસાની સિઝનમાં મેલેરિયા, ડેન્ગ્યુ, અને ચીકનગુનિયાના કેસો સામે આવી રહ્યાં છે ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે જે વિસ્તારમાં રોગચાળો વધી રહ્યો હોય તે વિસ્તારોમાં ચાંપતી નજર રાખી છે. વાયરલ અને બેક્ટેરીયલ ઇન્ફેક્શનમાં વધારો ન થાય તે માટે પણ 10 લાખથી વધુના જથ્થામાં દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે જ્યારે આવનારા દિવસોમાં પણ જે તે વિસ્તારમાં સર્વેલન્સ કરી લોહી પરિક્ષણ સહિતની તમામ કામગીરી યથાવત રાખવામાં આવશે અને રોગચાળો વધે નહીં તેની રાજ્યના આરોગ્ય વિબાગ દ્વારા પુરતા પ્રમાણમાં તકેદારી રાખવામાં આવી રહી છે.