- અમદાવાદમાં ખેડૂતોની અટકાયતના વિરોધમાં યુથ કૉંગ્રેસે આવેદનપત્ર આપ્યું
- ખેડૂત આગેવાનોની પ્રેસ કોન્ફરન્સ પહેલા અટકાયત કરી હતી
- રાજ્યમાં કિસાન આંદોલનને વેગ આપવા થઇ રહી હતી ચર્ચા
અમદાવાદઃ ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનને વેગ આપવા માટે શહેરના સંયુક્ત કિસાન મોરચાના આગેવાનોએ ચર્ચા કરી હતી. ખેડૂત આગેવાનો દ્વારા આગામી સમયમાં રાકેશ ટિકૈત ગુજરાત આવે અને ખેડૂત આંદોલનને વાચા આપે તે અંગે પણ ચર્ચા થઈ હતી. તે દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચીને ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી. જેના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતમાં કિસાન મોર્ચાનો કાર્યક્રમ યોજાશે: રાકેશ ટિકૈત
કૃષિ બિલને લઇને પ્રેસ કોન્ફરન્સનું આયોજન
કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ યોજાય તે પહેલાં પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. જેના વિરોધમાં યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ કૃષિ કાયદા પરત નહીં લેવાય ત્યાં સુધી ખેડૂત આંદોલન ચાલુ રહેશે
યુવા કોંગ્રેસે આપ્યું આવેદન
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકશાહી દેશમાં પોતાનો વિરોધ દર્શાવવાવનો અધિકાર નથી? શું પ્રેસ કોન્ફરન્સ પહેલા પોલીસની મંજૂરી લેવી પડે? ચૂંટણીઓ અને નેતાઓની રેલીમાં કોરોના ના નડ્યો? મેચ દરમિયાન હજારો લોકોને ભેગા થયા ત્યારે કોરોના ના નડ્યો? આ તમામ પ્રશ્નો સાથે યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
કિસાન મોરચાના આગેવાનોની અટકાયત
નોંધનીય છે કે, ખેડૂત આગેવાન યુદ્ધવીર સિંહ અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમણે 3 કૃષિ કાયદાઓથી ખેડૂતોને થતાં નુકસાન અંગે ચર્ચા કરવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પરંતુ પત્રકાર પરિષદમાંથી જ સંયુક્ત કિસાન મોર્ચાના આગેવાન યુદ્ધવીરસિંહ ઉપરાંત ગજેન્દ્રસિંહ, જે.કે.પટેલ, સુભાષ ચૌધરી, વાસુદેવસિંહ અને દશરથસિંહની પણ અટકાયત કરવામાં આવી હતી.