અમદાવાદ: ગતવર્ષે માર્ચ મહિનામાં રોજ જાહેર કરાયેલી ફેમ-2 યોજના હેઠળ કેન્દ્ર સરકારે માર્ચ-2022 સુધીમાં ગુજરાતમાં કુલ 1 લાખ જેટલા ઇલેક્ટ્રીક વાહનોને ઉપયોગમાં લાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી ફેમ-1 યોજના હેઠળ રાજ્યમાં 31 હજાર ઇલેક્ટ્રીક વાહનોને મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે 31મી માર્ચ 2019ના રોજ લાગુ કરાયેલી ફેમ-2 યોજના હેઠળ 399 ઇલેક્ટ્રીક વાહનો વેચવામાં આવ્યા છે.
સરકારે આ ટાર્ગેટને પૂરો કરવા માટે જાહેર સ્થળો પર ઈ-બાઈક પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં યુલુ ઇલેક્ટ્રીક બાઈક ખૂબ જ લોકપ્રિય બની છે.
પશ્ચિમ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભાડા પર મળે છે ઇલેક્ટ્રીક બાઈક
અમદાવાદના સી.જી રોડ, ગુજરાત યુનિવર્સીટી, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુલુ ઇલેક્ટ્રીક બાઈક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. લોકોમાં ઇલેક્ટ્રીક વાહનો આટલો ક્રેઝ છે કે જ્યારે ઈ-ટીવી ભારતની ટીમે અનેક યુલુ પોઇન્ટની મુલાકાત લીધી ત્યારે એક પણ પોઇન્ટ પર બાઈક ઉપલબ્ધ ન હતી.
યુલુ એપ વડે થાય છે, ઇલેક્ટ્રીક બાઈકનું બુકિંગ
યુલુ બાઈકનો ઉપયોગ કરવા માટે યુલુ એપ ડાઉનલોડ કરવી પડે છેે અને તેમાં પહેલા 200 રૂપિયા સિક્યોરિટી ડિપોઝીટ ભરવાની રહે છે. ત્યારબાદ કલાકના 100 રૂપિયા લેખે ભાડુ ચૂકવી આ બાઇકનો ઉપયોગ કરી શકાય છે. અમદાવાદના યુવાઓમાં આ બાઈકને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ઇલેક્ટ્રીક બાઈકમાં ડિઝાઇન અને બ્રાન્ડ
અમદાવાદમાં બ્રાન્ડેડ ઇલેક્ટ્રીક બાઈકનું ઉત્પાદન કરનાર સ્વીચ બાઈક કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રજનીકાંત સિન્હાએ જણાવ્યું હતું, "ઇલેક્ટ્રીક બાઈક 25 હજાર થી 1.25 લાખ રૂપિયા સુધીની રેન્જમાં મળે છે, પરંતુ અમે ક્વોલિટી અને બ્રાન્ડને વધુ મહત્વ આપીએ છીએ. અમારે ત્યાં 50 હજાર રૂપિયાથી ઇલેક્ટ્રીક બાઈકની કિંમત શરૂ થાય છે. ઇલેક્ટ્રીક બાઈકની ભારે માંગને લીધે અમારા વેચાણમાં કોરોના બાદ પણ બે થી ત્રણ ગણો જેટલો વધારા જોવા મળ્યો છે. અમે લોકોની ફિટનેસને ધ્યાનમાં રાખતા તેમાં ઇલેક્ટ્રીક બાઇકની સાથે તેમાં પેડલિંગ સિસ્ટમ અને અન્ય સુવિધાઓ પણ આપી છે. સામાન્ય રીતે અમારી ઇલેક્ટ્રીક બાઈક 80 હજારથી વધુ કી.મી ચાલી શકે છે."
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અત્યારે AMTSની 18 ઇલેક્ટ્રીક બસ કાર્યરત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 600 ઇલેક્ટ્રીક બસ તૈયાર કરાઈ છે જે આવનારા સમયમાં શહેરમાં ફરતી થશે. આ ઉપરાંત લોકો વધુ ને વધુ ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરતા થાય તેના માટે કોર્પોરેશન દ્વારા 1 વર્ષ માટે વાહન પરનો ટેક્સ માફ કરવામાં આવ્યો છે જે એક આવકારદાયક પગલું છે.
- અમદાવાદથી આકિબ છીપાનો વિશેષ અહેવાલ.