- ડૉ. જે.વી.મોદી સિવિલ હોસ્પિટલના રાજકારણનો બન્યા ભોગ - સૂત્રો
- રાજકારણથી થકી ડૉ. જે.વી.મોદીએ સુપ્રિટેન્ડેન્ટનું પદ છોડ્યું
- પરિવાર સાથે સમય પસાર કરવાનું કારણ આગળ ધરી રાજીનામું આપ્યું - ડોક્ટર
અમદાવાદ: સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી.મોદીએ બપોરે બાદ અચાનક સરકારમાં પોતાનું રાજીનામું ધરી દીધું છે. જેને સરકાર દ્વારા મંજુર પણ કરવામાં આવ્યું છે. ડોક્ટરના અચાનક રાજીનામાં પાછળ અનેક સવાલો પણ ઉપસ્થિત થયા છે. કોવિડ- 19ની પરિસ્થિતિમાં ડોક્ટર જે.વી મોદી દ્વારા આપવામાં આવેલી સેવા જેને સરકાર દ્વારા સતત બિરદાવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ડોક્ટરના રાજીનામાં પાછળ ડૉ. જે.વી.મોદી સિવિલ હોસ્પિટલના રાજકારણનો બન્યા ભોગ છે. છેલ્લા કેટલાક સમયથી અનેક મેડિકલ અધિકારીઓના મનમાં ડૉ. જે.વી.મોદી ખટક્તા હોવાની ચર્ચાઓ છે. ડૉ. જે.વી.મોદી વિરુદ્ધ અનેક ખોટી ફરિયાદો પણ સરકારમાં કરવામાં આવી હતી પરંતુ તમામનો પડકાર ડૉ. જે.વી.મોદીએ જીલ્યો હતો. અંતે અંદરના રાજકારણથી થકી ડૉ. મોદીએ સુપ્રિટેન્ડેન્ટનું પદ છોડ્યું છે.
મારો વિલ પાવર મજબૂત છે, હું પડકારો સામે લડનારો માણસ છું : ડૉ. જે.વી.મોદી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે રાજીનામું આપ્યું છે. ડૉ. જે.વી.મોદીના રાજીનામાથી રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સિવિલ બહાર લાગતી હતી લાંબી લાઈનો જેને પણ ડોક્ટર પોતાની સુજબૂઝ દ્વારા દૂર કરી હતી. કોરોનાકાળમાં કોવિડ-19 દર્દીઓની ખડેપગે સેવા કરી હતી. આ અંગે ડોક્ટર જે.વી મોદીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, મારા અંગત કારણોસર મે રાજીનામું આપ્યું છે. હવે મારે મારા પરિવાર સાથે સમય પસાર કરવો છે. રાજીનામાં પાછળ કોઈ અંગત સ્વાર્થ અથવા કોઈ રાજકીયપક્ષના દબાવમાં આવીને રાજીનામું આપ્યું નથી. કોઈના દબાવમાં હું આવું તેમ નથી. મારો વિલ પાવર ખુબજ સ્ટ્રોંગ છે. હું હંમેશા પડકારો સાથે લડવાવાળો માણસ છું.
![સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો જે.વી.મોદી સરકારમાં આપ્યું રાજીનામું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-18-j-v-modi-civil-hospital-video-story-7208977_01092021160855_0109f_1630492735_300.jpg)