અમદાવાદઃ કોરોના વાઇરસનું સંક્રમણ જ્યારથી વિશ્વમાં ફેલાયું છે ત્યારથી સૌથી વધુ પળોજણ શિક્ષણને લઈને થઈ રહી છે. એક તરફ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શકાતા નથી. ત્યારે બીજી તરફ તેમને ઓનલાઇન શિક્ષણ આપવા અનેક વાલીઓ વિરોધ કરી ચૂક્યા છે. કારણ કે, ઓનલાઈન શિક્ષણના નામે શાળાઓ રેગ્યુલર ફી વસૂલ કરે છે.
કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં ઓનલાઇન અભ્યાસ માટેના દિશાનિર્દેશો જાહેર કર્યા હતા. જે મુજબ પ્રી-પ્રાઇમરીના બાળકો માટે ઓનલાઇન અભ્યાસની મહત્તમ 30 મિનિટ નક્કી કરાઈ છે. ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે બે સેશનમાં મહત્તમ 90 મિનિટની જોગવાઈ કરાઈ છે. જ્યારે ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટના ચાર સેશન એટલે કે, મહત્તમ ત્રણ કલાકની જોગવાઈ કરાઈ છે.
વાલી મંડળોએ કેન્દ્ર સરકારની આ જોગવાઇનું સ્વાગત કર્યું હતું. જો કે, વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે પ્રિ-પ્રાઇમરીના બાળકને જે અડધો કલાકનું ઓનલાઇન શિક્ષણ આપવાની જાહેરાત કરી છે, તે મુદ્દે જણાવ્યું હતું કે, પ્રિ-પ્રાઇમરીના બાળકોને અત્યારે ઓનલાઇન શિક્ષણ આપવું જ ન જોઈએ. કારણ કે, નાની ઉંમરમાં આંખો નાજુક હોય છે. ત્યારે કોમ્પ્યુટર સામે બેસી રહેવાથી આંખોમાં તકલીફ સર્જાય છે અને આંખ ત્રાંસી પણ થઈ શકે છે.
જ્યારે ઓનલાઇન શિક્ષણના નામે શાળાઓ રેગ્યુલર ચાલુ હોય તેમ પૂરી ફી માંગતા વાલીમંડળોએ તેનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, શાળાઓ બંધ હોવાથી તેમના ખર્ચમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે શાળાઓ શિક્ષકોને પણ અડધો પગાર જ ચૂકવી રહી છે. ત્યારે આવા આફતના સમયે શાળાઓ ઓનલાઇન શિક્ષણના નામે પુરી ફી માગી શકે નહીં. જો કે શાળાઓના ફિક્સ ખર્ચ અને શિક્ષકોના પગાર માટે 50 ટકા ફી આપવા વાલીઓ તૈયાર છે.