અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં જૂનના ત્રીજાથી ચોથા સપ્તાહમાં મેઘરાજાનું વિધિવત્ આગમન થશે. નૈઋત્યના ચોમાસાનો ૧ જૂનથી કેરળમાં પ્રારંભ થયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'મધ્ય અરેબિયન સમુદ્રમાં કર્ણાટક-તામિલનાડુ-પુડુચેરી-કેરલ તરફ નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે. તે હવે આગામી બે દિવસમાં પશ્ચિમમધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે.
ગુજરાતમાં આ વખતે ચોમાસું સાનુકૂળ રહે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયાં ઝાપટાં પડશે. આગામી પાંચ દિવસ જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ડાંગ, તાપી,નર્મદા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જૂનાગઢનો મુખ્યત્વે સમાવેશ થાય છે. અમદાવાદમાં બે દિવસ વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની સંભાવના રહેશે.
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી તેમજ અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને રાજકોટ, કચ્છમાં વરસાદ પડી શકે છે. વાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદે આગમન કર્યું છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વરસાદ સાથે અહી ભારે પવન જોવા મળ્યો છે. સાથે જ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.
સમગ્ર રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં કાલે સાંજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અમદાવાદમાં ભારે પવન ધમાકેદાર વરસાદ તૂટી પડ્યો હતો.