- દિકરીને ગળે ફાસો આપ્યા બાદ માતાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી
- ઈસનપુર પોલીસે હત્યા અને દુષ્પ્રેરણાની અલગ અલગ બે ફરિયાદ નોંધી
- પરિણીતાના સાસરિયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો નોંધાયો ગુનો
- ઈસનપુર પોલીસે સાસરિયાના છ વ્યક્તિઓની કરી અટકાયત
- પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવદઃ શહેરના ઇસનપુર વિસ્તારમાં 18 એપ્રિલના રોજ રવિવારે વહેલી સવારે માતા અને દોઢ વર્ષની દીકરીની ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા માતા નિમિષા સોલંકીએ દોઢ વર્ષની દીકરી મૈત્રીને ગળેફાંસો આપી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યાનું સામે આવ્યું હતું. મહિલાનું આવું પગલું ભરવા પાછળનું કારણ ઘર કંકાસ હતું. જેથી પરિણીતાના સાસરિયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવાનો ગુનો નોંધી પોલીસે મૃતકના પતિ, સાસુ-સસરા સહિત 6 લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીએ પાંચમા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી
રાત્રે પરિવારમાં ઝઘડો થયો હતોઃ પોલીસ
પોલીસનું કહેવું છે કે, રાત્રે આ પરિવારમાં ઝઘડો થયો હતો, બાદમાં રાત્રે બધા સૂવા ગયા ત્યારે પરિણીતાએ પુત્રીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે, મૃતક નિમિષાના લગ્નના 3 મહિના પછી સાસરિયાઓએ માનસિક-શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ નિમિષા પોતાના પિયર આવી ગઈ હતી અને વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં પરિણીતા નિમિષાએ સાસરિયા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. જેમાં સાસરિયાઓની ધરપકડ કરાઈ હતી.
આ પણ વાંચોઃ આઈશા આત્મહત્યા કેસ અપડેટઃ આરીફની જામીન અરજી કોર્ટે રદ કરી
મૃતક પરિણીતાના ભાઇનો બનેવી પર આક્ષેપ
જ્યારે ફરિયાદ બાદ સાસરિયાઓ પુત્રવધૂ નિમિષાને સમજાવીને ઘરે લાવ્યા હતા પરંતુ પરિણીતાને ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું. બનાવના દિવસે રાત્રે ઝઘડો થયા બાદ મહિલાએ આવું અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક પરિણીતાના લગ્નને બે વર્ષથી વધુનો સમય થયો છે. મૃતક પરિણીતાના ભાઈએ આક્ષેપ કર્યા છે કે તેની બહેન અને દોઢ વર્ષની ભાણીની તેના પતિ જીતેન્દ્ર સોલંકીએ જ હત્યા કરી છે. મૃતક પરિણીતાના પરિવાજનો આક્ષેપ છે કે બાળકીનો જન્મ થતાં સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપતા હતા. પોલીસે સાસરિયા પક્ષના 6 લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હાલ એ વાતની તપાસ કરી રહી છે કે આત્મહત્યા માટે કોઈ બીજું કારણ છે કે કેમ?