અમદાવાદઃ કોરોના વાઇરસના આ કાળ દરમિયાન ગુજરાતનું શિક્ષણ ખાતું અસમંજસમાં રહ્યું છે. જેના કારણે વિવિધ પરીક્ષાઓ અને અભ્યાસના ક્ષેત્રે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. કારણ કે, પહેલા પરીક્ષાઓની જાહેરાત કરવામાં આવે છે અને ત્યારબાદ તેને રદ કરવાની જાહેરાત કરવામાં આવે છે. તે જાણે ચક્રીય પ્રક્રિયા બની ગઈ છે. શિક્ષણ વિભાગે ગુજકેટની પરીક્ષાની જાહેરાત કરી છે. જેને લઇને એલિસબ્રિજના ધારાસભ્યએ શિક્ષણ પ્રધાનને પત્ર લખ્યો છે.
પરીક્ષાઓની નવી તારીખો એવા દિવસે નક્કી કરાય છે, જ્યારે જાહેર રજા હોય છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ ગુજરાતના વિધાર્થીઓએ ઇજનેરી, તબીબી અને ફાર્મા ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત છે, પરંતુ તેને લેવાની જાહેરાત શિક્ષણ વિભાગે 30 જુલાઈએ કરી હતી. જેને બદલીને હવે 22 ઓગસ્ટ કરવામાં આવી છે, પરંતુ તે દિવસે જૈનોનો તહેવાર સંવત્સરી અને ગણેશ ચતુર્થી પણ છે. જે જાહેર રજાના દિવસો છે. જેથી આ પરીક્ષાની તારીખ બદલવા માટે એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે.