અમદાવાદ: કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને સિનિયર નેતા કૈલાશ ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા(Kailash Gadhvi join Aap) છે. તો બીજી તરફ, વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાયા (Manilal Vaghela join BJP) છે. આમ, આજે 24 એપ્રિલે એક જ દિવસમાં કોંગ્રેસના બે મોટા નેતાઓએ પાર્ટી છોડી છે, જે નેતાઓની નારાજગી બતાવે છે.
આ પણ વાંચો: Rahul Gandhi Gujarat Visit: 1લી મેના રોજ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા પ્રદેશ કોંગ્રેસ સંગઠનની નિમણૂંકો જાહેર કરાશે
કોંગ્રેસને એક જ દિવસે બે ફટકા: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક જ દિવસે બે ફટકા પડ્યા છે. કોંગ્રેસના નેતા કૈલાસ ગઢવીએ આજે આમ આદમી પાર્ટીની ટોપી પહેરી લીધી છે. ગુજરાત આપના પ્રભારી ગુલાબસિંહની ઉપસ્થિતિમાં કૈલાસ ગઢવીએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. તેની સાથે 10 જેટલા હોદ્દેદારો અને આગેવાનો તથા તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ આપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કૈલાશ ગઢવીએ ગતરોજ એક ટિ્વટ કરી હતી જેમા તેમની સાથે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવી દેખાયા હતા.
કૈલાસ ગઢવી AAP માં જોડાયા: ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસના (All India Professionals Congress)પૂર્વ નેતા કૈલાસ ગઢવી AAP માં જોડાયા છે. કૈલાસ ગઢવી તેના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઈસુદાન ગઢવી અને AAP ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ ગુલાબસિંહની હાજરીમાં તેઓ આપમાં સામેલ થયા હતા. આપમાં જોડાયેલા કૈલાશ ગઢવીએ જણાવ્યું કે, આજે નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું. આજે 27 વર્ષ સુધી વિરોધ પક્ષ કોંગ્રેસ ભાજપને હરાવી શકી નથી. કોંગ્રેસમાં જીતવાની કમી છે. છેલ્લી ઘડીએ જીતનારાને બદલી દેવામાં આવતા હતા. 20 સીટો જીતવા લાયક હતી જે પાર્ટીએ જીતનારાને ન આપી અને હારી ગયા હતા.
સરકાર 7માં ધોરણનું પેપર ન બચાવી શકી: તો બીજી તરફ ચૂંટણી ઇન્ચાર્જ ગુલાબસિંહ યાદવે કહ્યું કે ક્યારે ચૂંટણી જાહેર થઇ જાય તે નક્કી નહીં. અમે ગ્રાઉન્ડ પર જઇને લોકોને મળી રહ્યાં છીએ. કોંગ્રેસ-ભાજપમાંથી સારા લોકો AAPમાં જોડાઈ રહ્યાં છે. હજુ પણ કેટલાંયે ચહેરાઓ AAPમાં જોડાશે. 27 વર્ષની સત્તા બાદ સરકાર 7માં ધોરણનું પેપર ન બચાવી શકી,આ પેપર લીક સરકાર છે.
નારાજગીના સૂર: કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત છે. રોજેરોજ કોઈને કોઈ નેતાઓની પક્ષ પ્રત્યે નારાજગીના સૂર ઉઠી રહ્યાં છે. જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ બાકાત નથી. હાલ તેઓ પણ કોંગ્રેસના સિનીયર નેતાઓની કામગીરીથી નારાજ છે. આ નારાજગી હવે પક્ષપલટામાં પરિણમી રહી છે.