- સવાયાનું ધાર્મિક મહત્વ છે
- શુભ પ્રસંગે શુભેચ્છારૂપી સવાયી રકમ અપાય છે
- વેપારી ચોપડામાં સૌપ્રથમ શ્રી સવા લખે છે
અમદાવાદ: સવાયાનું હિન્દુ ધાર્મિક મહત્વ છે. સવા રૂપિયો શુકન ગણાય છે. શ્રીફળ અને સવા રૂપિયો આપ્યો એટલે સગાઈ થઈ એમ કહેવાય. કોઈપણ શુભ પ્રસંગે જ્યારે ચાંલ્લો કરાય ત્યારે સવા રકમ મૂકાય છે, જેને શુભ મનાય છે. શુભેચ્છારૂપે પણ જ્યારે રકમ અપાય ત્યારે સવાયાના ગુણાકારમાં જ મૂકાય છે. એટલે કે હિન્દુ ધર્મમાં સવાની રકમનું ખૂબ જ મહત્વ છે.
એક રૂપિયાનું રોકાણ સવા થાય, તેવી શુભભાવના
કોઈપણ વેપારી જ્યારે ચોપડા પૂજન કરે ત્યારે તે શ્રી સવા લખે છે. એનો અર્થ એ થાય કે શ્રી એટલે લક્ષ્મી અને લક્ષ્મી એટલે લાભ અને ધંધા વેપારમાં હુ એક રૂપિયાનું મુડીરોકાણ કરું તો તે સવા થાય, તેવી શુભ ભાવના સાથે ચોપડામાં સૌપ્રથમ શ્રી સવા લખાય છે. હિન્દુ ધર્મમાં માનનારા તમામ વેપારી દિવસની શરૂઆત કરે ત્યારે રોજમેળમાં ઉપર શ્રી સવા અચૂક લખે છે.
સગપણમાં શ્રીફળ અને સવા રૂપિયો આપવાનો રિવાજ
કોઈની પણ સગાઈ (એગેજમેન્ટ) થાય ત્યારે શ્રીફળ અને સવા રૂપિયો આપવાની ધાર્મિક વિધિ હોય છે. બે વેવાઈ એટલે કે દીકરાના પિતા અને દીકરીના પિતા જ્યારે શ્રીફળ અને સવા રૂપિયાની આપ-લે કરે પછી તે દીકરા અને દીકરીની સગાઈ નક્કી થઈ કહેવાય, પછી બે વેવાઈ અને વેવણ ગોળધાણા ખાય છે. આમ સવા રૂપિયાનું ખૂબ મહત્વ રહેલું છે.
સવાસો રૂપિયાનો સિક્કો શુકનવંતો ગણાશે
હાલ રૂપિયાનું અવમુલ્યન થયું છે. મોંઘવારીએ માઝા મુકી છે, જેથી પચ્ચીસ પૈસાનું કશુંય મળતું નથી અને પચ્ચીસ પૈસા ચલણમાં ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. આમ સવા રૂપિયો કરવો હાલ અઘરો થઈ રહ્યો છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવાસો રૂપિયાનો સિક્કો લોન્ચ કરી રહ્યા છે. જેથી હિન્દુ ધાર્મિક રીતે પૂજા કે પ્રસંગે સવાસો રૂપિયા ખૂબ કામમાં આવશે અને શુકન પણ સચવાઈ જશે. હવે લગ્ન પ્રસંગે ચાલ્લામાં સવાયી રકમ આવશે. પચ્ચીસ પૈસા નહોતા મળતા એટલે લોકો રાઉન્ડ ફિગરમાં જ શુભ પ્રસંગે શુભેચ્છા રકમ કવરમાં મુકીને આપતા હતા પણ હવે જ્યારે સવાસો રૂપિયાનો સિક્કો લોન્ચ થઈ રહ્યો છે. તો હવે પછી ચાંલ્લાના કવરમાં સવાયી રકમ આવવાની શરૂ થશે અને આ તો હિન્દુ ધર્મની ખરી પ્રણાલી છે કે તમે સવાયી રકમ આપો તો તે શુભ મનાય છે અને સામેની વ્યક્તિના જીવનમાં પણ સવાયી પ્રગતિ થાય તેવી શુભકામના કરાય છે.
ભરત પંચાલ(બ્યૂરો ચીફ)નો વિશેષ અહેવાલ.