- કોર્ટમાં AMC એ રોડ અને ઢોર પકડવા મામલે સોગંદનામું રજૂ કર્યું
- પાર્કિંગના મુદ્દા અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે પણ કોર્પોરેશનને કોર્ટે પૂછ્યા પ્રશ્નો
- 22 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરાશે
અમદાવાદઃ અમદાવાદના બિસમાર રસ્તાઓ અને ઢોર મામલે કરેલી કામગીરીના આંકડા રજૂ કરતા AMC એ રજુઆત કરી હતી કે રસ્તાના રિસરફેસિંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1 ઓક્ટોબર 2018થી 31 જુલાઈ 2021 સુધીમાં 1523094 મેટ્રિક ટન હોટ મિક્સ વાપર્યું હતું. રસ્તા, અને બ્રિજના માઈક્રો સરફેસિંગ માટે 1657972 મેટ્રિક ટન હોટ મિક્સ વાપર્યું હતું. જ્યારે 1 ફેબ્રુઆરી 2020 થી 31 જુલાઈ 2021 સુધીમાં 13600 જેટલા રખડતા ઢોર પકડ્યાં, 74 લાખ રૂપિયાથી વધુની પેનલ્ટી વસુલ કરી છે. 7200થી વધુ નવા પશુઓનું રેડીઓ ટેગીંગ કરાયું હતું.
શું દર વર્ષે બિસ્માર રસ્તાઓના કારણે લોકો હેરાન થયાં કરે?
અમદાવાદના બિસ્માર રસ્તાઓ અને રખડતાં ઢોર મુદ્દે કોર્ટના હુકમના તિરસ્કાર બદલ થયેલી અરજી પર સુનાવણી શરૂ કરાઈ હતી. કોર્ટે આકરું વલણ અપનાવતાં પૂછ્યું હતું કે શા માટે શહેરના રસ્તા બિસ્માર બને છે? કોર્ટે કહ્યું કે દર વર્ષે આ જ સ્થિતિ બને છે. શું દર વર્ષે બિસ્માર રસ્તાઓના કારણે લોકો હેરાન થયાં કરે? અને ચોમાસા પહેલા કોર્પોરેશન શું કરે છે? કોર્ટે કરેલા પ્રશ્નનો જવાબ આપતા કોર્પોરેશને કહ્યું હતું કે વીજળી , પાણી અને ફોન કંપનીઓ દ્વારા બનેલા રસ્તાઓ પર ખોદકામ થાય છે અને ઘણી વાર કામ બરાબર નથી થયું એ વાત સામે આવી છે. આ સાથે પાર્કિંગના મુદ્દા અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે પણ કોર્પોરેશનને કોર્ટે પ્રશ્નો પૂછ્યાં હતાં. 22 ઓક્ટોબર સુધીમાં અગાઉના હુકમોના પાલનમાં શુ કાર્યવાહી કરાઈ રહી છે એનો રિપોર્ટ કોર્ટે માગ્યો છે. વધુમાં 22 ઓક્ટોબરના રોજ આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચોઃ FIR ન નોંધવા બદલ જાણો કયા પોલીસ અધિકારીઓ સામે High Court એ આકરું વલણ અપનાવ્યું
આ પણ વાંચોઃ PM મોદીનો ગાંધી આશ્રમ ડ્રીમ પ્રોજેક્ટ, 231 કરોડનું રીડેવલપમેન્ટ કામ AMC કરશે