લંડન સ્થિત ઈકો-મેરીટાઈમ લિમિટેડ કંપનીએ બંને જહાજ અલ-ડલો અને અલ-હમલ ભાવનગરની કાઠિયાવાડ સ્ટીલ નામની કંપનીને 3,21,250 USD અને 2,82,600 USDમાં વેંચી દેતા મેરિટાઈમ ક્લેમનો દાવો કરતી દુબઈ સ્થિત અરજદાર ક્રિપ્ટોન મેરિટાઈમ કંપનીએ કરાર ભંગ બાદ બાકી નીકળતા 4.30 લાખ USDની વસુલાત માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. અરજદાર કંપનીએ પૈસા ન ચુકવનાર લંડન સ્થિત કંપની પર વળતર પેટે વધારાના 50 હજાર USDનો દાવો કર્યો છે.
અરજદાર કંપનીના વકીલ હર્ષિત તોલિયાએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, કરાર પેટે પુરા પૈસા ન ચુકવનાર લંડન સ્થિત કંપનીએ બંને જહાજ ભાવનગરની કાઠિયાવાડ સ્ટીલ કંપનીને વેંચી દીધા છે અને વર્તમાન સમયમાં બંને વહાણ ભાવનગરના દરિયાઈ વિસ્તારમાં હોવાથી હાઈકોર્ટ પોતાની સતાનો ઉપયોગ કરી બંને જહાજને ભારતીય દરિયાઈ સીમામાંથી બહાર જતાં અટકાવે અને બંને જહાજને તોડી પાડવાની શક્યતા હોવાથી તેના પર રોક લગાવવામાં આવે.
દુબઈ સ્થિત ક્રિપ્ટોન મેરિટાઈમ કંપની લિ. અને લંડનની ઈકો-મેરિટાઈમ કંપની લિ. વચ્ચે એમ.વી. બુમોની નામના જહાજને લઈને વેંચાણ કરાર થયો હતો. બંને કંપનીઓ ઘણા સમયથી સાથે વ્યવસાય કરતા હોવાથી વહાણ વેંચનાર ક્રિપ્ટોન કંપનીએ પાકિસ્તાનના કરાચી ખાતે જહાજ એમ.વી. બુમોનીનો કબ્જો લંડનની ઈકો-મેરિટાઈમ લિમિટેડ કંપનીને સોપ્યો હતો. બંને કંપની વચ્ચે 5.30 લાખ USDમાં કરાર કરવામાં આવ્યો હતો. શરત પ્રમાણે જહાજના પઝેશન આપ્યાના 3 બેન્કિંગ દિવસમાં પુરી રકમ ચુકવવાની હતી.
જોકે લંડન સ્થિત કંપનીએ આજ દિવસ સુધી બાકી નીકળતા 4.30 લાખ USDની ચુકવણી ન કરતા કરાર ભંગ થયો હતો. એટલું જ નહિ લંડનની ઈકો-મેરિટાઈમ લિમિટેડ કંપનીએ અરજદાર કંપની પાસેથી ખરીદેલો જહાજ એમ.વી. બુમોની પાકિસ્તાનની જલાલુદિન કંપનીને વેંચી દીધો હોવાથી માલુમ પડતા અરજદારે દગો કરનાર કંપનીના અન્ય જહાજને ટ્રેક કર્યું હતું. જહાજ એમ.વી. બુમોની હાલ પાકિસ્તાનના ગ્વાદર બંદર પર છે. હાઈકોર્ટે અરજદારની માંગ ગ્રાહ્ય રાખીને તમામ પક્ષકારોને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, દુબઈ સ્થિત ક્રિપ્ટોન મેરિટાઈમ લિમિટેડ કંપનીએ જહાજ એમ.વી. બુમોની 5.30 લાખ USDમાં લંડનની ઈકો મેરિટાઈમ લિ. કંપનીને વેંચ્યો હતો. બંને કંપનીઓ વચ્ચે વ્યવસાયિક સંબંધ હોવાથી જહાજ એમ.વી. બુમોની કરાચી ખાતે ઈકો મેરિટાઈમ કંપનીને સોંપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઈકો-મેરિટાઈમ કંપનીએ અરજદારને 1 લાખ USDની ચુકવણી કરી હતી.
ઈકો મેરિટાઈમ કંપનીએ બાકી નીકળતા પૈસાની અરજદાર (વેંચનાર) કંપનીને ચુકવણી ન કરતા તેમની પાસેથી ખરીદેલો જહાજ પાકિસ્તાનની કંપનીને વેંચી દેતા બાકી નીકળતા 4.30 લાખ USD વસુલવા માટે અરજદાર કંપનીએ દગો કરનાર ઈકો મેરિટાઈમ કંપનીના અન્ય વહાણ અલ-ડલો અને અલ હમલ ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહિ ઈકો મેરિટાઈમ કંપનીએ ટ્રેક કરેલા બે વહાણ ભાવનગરની કાઠિવાયડ સ્ટીલ કંપનીને વેંચી દેતા બાકી નીકળતા પૈસાની વસુલાત માટે દુબઈ સ્થિત અરજદાર કંપનીએ બંને જહાજ અલ-ડલો અને અલ- હમલની ધરપકડ અને પૈસાની વસુલાત માટે ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.
અમદાવાદથી રિપોર્ટર આકિબ છીપાનો વિશેષ અહેવાલ...