અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીનું લાઈવ-સ્ટ્રીમિંગ કરવામાં આવે એવી માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બે જજોની કમિટિનું ગઠન કરવામાં આવ્યું છે. તેમના રિપોર્ટ બાદ નિણર્ય લેવામાં આવશે.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે ,25મી જૂનના રોજ યોજાયેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં બે જજોની કમિટી આ અંગેની કામગીરીનો રિપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ આ મુદ્દે વધુ નિણર્ય લેવામાં આવશે. અમદાવાદ નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અરજદારે હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં માગ કરી હતી કે વર્ચ્યુલ સુનાવણીમાં કેસ સાથે સંકળાયેલા વકીલોને જ વીડિયો લિંક મોકલવામાં આવે છે. જેથી લૉ-વિધાર્થી, મીડિયા અને લોકો સુનાવણી સાંભળી શકતા નથી.
અરજદારે જાહેરહિતની અરજીમાં રજુઆત કરી છે કે CRPCની કલમ 327 અને CPCની કલમ 153 (બી) મુજબ કેસની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ થવું જોઈએ. બોમ્બે હાઈકોર્ટ, કલકત્તા હાઇકોર્ટ, દિલ્હી હાઈકોર્ટમાં પણ કેટલાક મહત્વપૂર્ણ કેસમાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. જેથી ગુજરાત હાઈકોર્ટમાં પણ તેનું અમલ કરવામાં આવે તેવી માગ કરી હતી.