- ગુજરાત સરકારે ગરબા ગાવા માટેની થોડી છૂટ આપી છે
- આ વર્ષે નવરાત્રીમાં ગરબા ગાવા મળશે
- નવી સરકારે ગરબા ગાવાની છૂટ આપી છે
અમદાવાદ: નવરાત્રી આડે હવે માત્ર પંદર દિવસ બાકી રહ્યાં છે. ગુજરાતની નવરાત્રી જગમશુહર છે. બોલીવુડ પણ નવરાત્રી માણવા ગુજરાત આવે છે. ગત વર્ષે તો કોરોના જેવી વૈશ્વિક મહામારી હતી, જેથી ગરબા ગાઈ શકયા ન હતા, પણ આ વર્ષે કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે, તો ગુજરાત સરકારે ગરબા ગાવા માટેની થોડી છૂટ આપી છે, તેમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ગત વર્ષે ગરબા પર પ્રતિબંધ હતો
ગત વર્ષે કોરોના વાયરસ ફેલાયો હતો, જેના કારણે ગુજરાત સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડીને ગરબા રમવા પર પ્રતિબંધ મુક્યો હતો. માત્ર માતાજીની ગરબી અને ઘટ સ્થાપન કરવાની મંજૂરી આપી હતી. પૂજા અને આરતી કરીને રાત્રે 10 વાગ્યા પહેલા ઘરે જતું રહેવાનું. લાઉડ સ્પીકર, ડીજે કે ગરબા ગાવાની છૂટ હતી નહી. આમ પ્રજા ખૂબ કોરોનાથી ડરેલી હતી, જેથી કોઈએ ગરબા ગાયા નથી. માત્ર નવ દિવસ માતાજીની આરતી પૂજા કરી હતી. પ્રસાદ પણ વહેંચવાનો ન હતો.
નવી સરકારે ગરબા ગાવાની છૂટ આપી છે
આ વર્ષે કોરોનાની બીજી લહેર આવીને જતી રહી છે. હાલ ગુજરાતમાં દરરોજ માંડ 10થી 12 કેસ આવે છે. જેથી ગુજરાત સરકારે થોડી છૂટછાટ આપી છે. નવા મુખ્યપ્રધાન સાથે નવું પ્રધાનમંડળ આવ્યું છે, જેથી હવે સરકારે નવરાત્રીની ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જેમાં ગરબા ગાવાની છૂટ મળી છે.
નવી ગાઈડલાઈન્સ આવી હશે
- શેરી ગરબાની છૂટ મળશે
- સોસાયટી કે એપોર્ટમેન્ટના ચોકમાં માતાજીની ગરબી પઘરાવી શકાશે
- ઘટ સ્થાપન કરી શકાશે
- આરતી પૂજા અને પેકિંગવાળો પ્રસાદ વહેંચવાની છૂટ અપાશે
- કલબ, પાર્ટી પ્લોટમાં ગરબાની છૂટ નહી મળે
- શેરી ગરબામાં વેક્સિન લીધી હશે તે જ ગરબા કરી શકશે
- ગરબા ગાનારે ફરજિયાત પણે માસ્ક પહેરેલું હોવું જોઈએ
- રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા કરી શકાશે
- ડીજે અને લાઉડ સ્પીકર રાત્રિના 12 વાગ્યા સુઘી વગાડી શકાશે
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આગામી નવરાત્રી તહેવાર તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
- મુખ્યપ્રધાને લીધેલા આ નિર્ણયો અનુસાર, રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફ્યૂ અમલમાં છે. ત્યાં 25 સપ્ટેમ્બરે રાત્રિના 12 કલાકથી 10 ઓક્ટોમ્બર સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે.
- રાત્રિ કરફ્યૂની સમય મર્યાદા હાલ રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીની છે. તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12થી 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે.
- આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાને માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
- લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિની મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિની છુટછાટ આપવામાં આવી છે.
- આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે.
- આવા આયોજનોમાં લાઉડ સ્પીકર, ધ્વની નિયંત્રણ અંગે સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.
- રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રીની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ.
- અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
- રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના 10 કલાક સુધી અગાઉ ક્ષમતાના 60 ટકા સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી, તેમાં વધારો કરીને હવે ક્ષમતાના 75 ટકા સાથે ચાલુ રાખી શકાશે.
- રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં, તે પણ હવે રાત્રિના 10 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.
ખેલૈયાઓ તૈયાર થઈ જજો
ખેલૈયાઓ તૈયાર થઈ જજો… આ વર્ષે નવરાત્રીમાં ગરબા ગાવા મળશે. આ વર્ષે રંગચંગે રથયાત્રા નીકળી, શ્રાવણના તહેવારો ઉજવાયા, જન્માષ્ટીએ કૃષ્ણ જન્મ ઉજવાયો, ગણપતિ ઉત્સવ ઉજવાયો, તો પછી હવે ગરબા ગાવાની પણ સરકારે છૂટ આપી છે. તમામ તહેવારોની ઉજવણી કોરોનાની ગાઈડલાઈન્સ સાથે કરવી તે પણ હિતાવહ છે. ઈ ટીવી ભારત આપને અપીલ પણ કરી રહ્યું છે કે, તહેવારોની ઉજવણીમાં માસ્ક ફરજિયાત પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું અવશ્ય પાલન કરવું.
ભરત પંચાલ, બ્યૂરો ચીફ, ઈ ટીવી ભારત ગુજરાત