અમદાવાદઃ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોના વાઇરસનાં સંક્રમણનાં કેસ ભયજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાને કારણે હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનું મોત નીપજ્યું છે. શહેરમાં આ પ્રથમ પોલીસકર્મી છે કે જેમનું કોરોનાના કારણે મોત થયું છે.
શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનું વહેલી સવારે કોરોનાના કારણે મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે ભરતજીને 16 તારીખે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનુ સારવાર દરમિયાન જ સોમવારે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું છે. શહેરના અનેક પોલીસ કર્મીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે ત્યારે આ મોતના સમાચારથી પોલીસ બેડામાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે. આ મામલે ડીસીપી ઝોન 4 નિરજ બડગુજર દ્વારા મોતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કોરોનાની આ મહામારીમાં મેડિકલ અને પોલીસ સ્ટાફ ફ્રન્ટ લાઈન પર કામ કરી રહ્યાં છે અને જેમને સૌથી વધુ જોખમ છે.