સુરત: સૃષ્ટિની રચના કરનારા સદાશિવ અને માતા પાર્વતીની અનેક તસ્વીરો આપે જોઈ હશે, પરંતુ સુરત ખાતે છેલ્લા 30 વર્ષથી દરેક શિવરાત્રી પર 'ઘી' ઉપર માતા પાર્વતી અને ભોલેનાથની તસ્વીર બનાવનારા જરીવાળા પરિવારની ભક્તિ અનોખી છે. મહાશિવરાત્રીના પર્વ માટે જરીવાળા પરિવાર વર્ષોથી શહેરના અનેક શિવાલયો માટે 'ઘી'ના કમળ અને ભોલેનાથની તસ્વીર 'ઘી' ઉપર બનાવતા આવ્યા છે. દરેક કલાકારો દીવાલ પર કે કેનવાસ પર તો ભગવાન શિવ-પાર્વતીની તસવીરો બનાવતા જ હોય છે, પરંતુ 'ઘી'ના લેયર બનાવી એની ઉપર ઓઇલ પેન્ટ કરી શિવ-પાર્વતીની અદભુત તસવીર બનાવવી ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય છે. કારણ કે, જો તસવીર બનાવતી વખતે જરાપણ પીંછીનું દબાણ આવે તો 'ઘી' ખરાબ થઈ જતું હોય છે. જેને સાફ કરવાના પ્રયાસોમાં જોરથી બ્રશ ચાલે તો 'ઘી' બગડી શકે છે. જેને કારણે ખુબજ ચીવટથી શિવ-પાર્વતીની તસવીર પેઇન્ટ કરવી પડે છે.
ભગવાન શિવ અને પાર્વતીની તસવીરો બનાવનાર પ્રકાશ જરીવાળાએ જણાવ્યું હતું કે, શિવપુરાણમાં ઉલ્લેખ છે કે, જ્યારે સમુદ્ર મંથન થયું હતું અને ભગવાન શિવે વિષપાન કર્યું, ત્યારે તેઓને શીતલ પ્રદાન કરવા માટે 'ઘી'ના કમળ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારથી દર મહા શિવરાત્રીએ પરંપરા છે કે, શિવાલયોમાં મહાશિવરાત્રીના પર્વ પર 'ઘી'ના કમળ અને 'ઘી' પર તૈયાર કરવામાં આવેલી તસવીરો મૂકવામાં આવે છે.
જગતના પિતા શિવ ભગવાનની તસ્વીર તૈયાર કરનાર આર્ટિસ્ટો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, આ અન્ય તસવીરો બનાવવા કરતાં ખૂબ જ મુશ્કેલ ભર્યું આર્ટ છે. જેમાં રંગ ભરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને ભગવાન શિવ અને પાર્વતીની મુદ્રાઓ અને ભાવને રંગોના માધ્યમથી એવી રીતે રજૂ કરવાના હોય છે, જેથી ભક્તો ને લાગે કે સાક્ષાત પ્રભુ બિરાજમાન છે.
ઉલ્લેખનીય છે કે, 'ઘી' પર ભગવાનની તસ્વીર બનાવવા માટે 5 દિવસ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ગરમીના વાતાવરણમાં 'ઘી' બગડી ન જાય તે માટે બરફ ઉપર 'ઘી'ના કમળ મૂકવામાં આવે છે અને તસવીરોને પણ ઠંડક મળે આવી જગ્યાએ રાખવામાં આવે છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ મહાશિવરાત્રીના પર્વ પર હોય છે. જેને ધ્યાનમાં રાખી યોગ્ય કાળજી લેવામાં આવે છે. જેથી આ 'ઘી'નું કમળ 4થી 5 દિવસ સુધી શિવાલયોમાં મુકી શકાય છે.