અમદાવાદઃ ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કેગ (CAG)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં RTOમાં ચાલતા ધુપ્પલો વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલીક મહત્વની બાબતો નીચે પ્રમાણે છે:
- RTO પાસે ગુજરાત મોટર વાહન ધારા અધિનિયમ અંતર્ગત આગોતરા ચૂકવાયેલા મોટર વાહન વેરાના રિફંડની જોગવાઇની વ્યવસ્થા નથી.
- કેટલાક ભૌતિક સાધનો ઉપર ખરીદી કરીને બિનજરૂરી ખર્ચ કરવામાં આવ્યો છે, વળી નવા ખરીદેલા સાધનો પણ ઉત્તરતી ગુણવત્તાનાં હોવાનું માલુમ પડ્યું છે.
- ડેટાની સુરક્ષા માટે યોગ્ય સાયબર સુરક્ષાનો પણ અભાવ જોવા મળ્યો છે.
- 1 ઓગસ્ટ 2017થી 31 ઓગસ્ટ 2019 સુધી RTO કચેરીમાં 7,48,006 રોકડની પહોંચમાંથી 1,07,367 પહોંચ જેનું મૂલ્ય 50.47 કરોડ છે, તે નિયત સમયમર્યાદા બહાર બનાવવામાં આવી હતી.
- આ ઉપરાંત સારથી એપ્લિકેશનમાં પણ અરજદારોની તકલીફ પડી રહી છે અને તેનું હેકિંગ પણ થઈ ચૂક્યું છે, ઘણી વખત સારથી અપનો ગેરકાયદેસર ઉપયોગ કરીને અયોગ્ય વ્યક્તિઓને લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે, તે અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે. ત્યારે તેની સુવિધા વધારવાની પણ ભલામણ કરવામાં આવી છે.
- ફેબ્રુઆરી 2018થી માર્ચ 2019 દરમિયાન 8 RTOમાં 3519 ગેરકાયદેસર બેકલોગ શોધી કાઢવામાં આવ્યા છે.
- આ ઉપરાંત RTOમાં એડમિનિસ્ટ્રેશનને લઈને પણ સુધારો કરવા સૂચનો કર્યા છે.
- RTO દ્વારા વ્યાજ અને દંડની વસૂલાત પણ ખૂબ જ ધીમી હોવાથી સરકારી તિજોરીને નુકસાન જઈ રહ્યું છે.
- ખાસ કરીને 16થી 18 વર્ષની ઉંમરની વ્યક્તિઓને 50 સીસીથી વધુ ન હોય એવી એન્જિનની ક્ષમતા વાળી બાઇકનું લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવે છે. પરંતુ 50ccથી વધુની બાઇકનું લાયસન્સ આવા 3,69,260 અરજદાતાઓને ઈશ્યૂ કરી દેવામાં આવ્યું છે.
- RTOમાં લાયસન્સ કઢાવવા માટે લઘુત્તમ લાયકાત ધોરણ આઠ પાસ છે. તેને અવગણીને 98 લોકોને લાઇસન્સ આપી દેવામાં આવ્યા છે.
- નિયમોની વિરુદ્ધમાં જઈને ડ્રાઇવિંગ લાઇસન્સ અને સ્માર્ટ કાર્ડ માટે બિનજરૂરી અગાઉથી ફી લેવામાં આવે છે. એટલે કે લર્નિંગ લાયસન્સ કાઢવાતી વખતે સંપૂર્ણ પ્રક્રિયાની ફી વસૂલ કરી લેવામાં આવે છે. ત્યારે જો અરજદાર ટેસ્ટમાં ફેલ જાય તો પણ તેને સંપૂર્ણ ફી ચૂકવવી પડે છે.
- PUC માટે પણ ઓનલાઇન પોર્ટલ પર પ્રમાણભૂત આંકડા ઓટોમેટીક અપડેટ થતા નથી.