અમદાવાદઃ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર થનારી પેટા-ચૂંટણી મુલતવી રાખવાની માગ સાથે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી મુદ્દે સોમવારે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું કે, પેટા-ચૂંટણી અંગે ચૂંટણી પંચ દ્વારા હાલ કોઈ નિણર્ય લેવામાં આવ્યો નથી. જેથી તેની પહેલાં તેને મુલતવી રાખવા અંગે આદેશ આપી શકાય નહીં.
ચૂંટણી પંચે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાબ રજૂ કરતા જણાવાયું હતું કે, તે હાલ વર્તમાન કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને ત્યારબાદ અંતિમ નિણર્ય લેશે. આ જવાબને આધાર રાખીને હાઈકોર્ટે આ મુદ્દે આદેશ ન કરી શકાય તેવું અવલોકન કર્યું હતું.
આ અગાઉ ગુજરાત હાઈકોર્ટે રાજ્યની 8 બેઠકો પર પેટા-ચૂંટણી યોજવા મુદ્દે ચૂંટણી પંચને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો. જેના ભાગરૂપે જવાબ રજૂ કરવામાં આવ્યો છે. અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ચૂંટણીપંચ દ્વારા ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર પેટા-ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને કોરોનાની વર્તમાન સ્થિતિમાં ચૂંટણી યોજવામાં આવશે, તો કોરોના વધુ ફેલાઈ શકે છે. જેથી પેટા-ચૂંટણીને મોકૂફ રાખવામાં આવે. રાજનૈતિક દળ દ્વારા આ ચૂંટણીને લઈને બેઠકો પણ યોજવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 18 લાખથી વધુ મતદાતાઓ છે અને જો આવી પરિસ્થિતિમાં મતદાન થશે અને કોઈ લક્ષ્મણવગરનો દર્દી અથવા માઇલ્ડ લક્ષણવાળા કોરોના દર્દી એકત્ર ભીડમાં મત આપવા આવે તો ભયાવહ સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. જેથી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે વિધાનસભાની પેટા-ચૂંટણી પર પણ હાલ પ્રતિબંધ લાદી દેવો જોઇએ.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં લગ્નમાં માત્ર 50 અને મૃત્યુમાં 20 લોકોએ 6 ફૂટના અંતર સાથે હાજર રહેવા અંગે કહેવામાં આવ્યું છે, ત્યારે ચૂંટણી કઈ રીતે યોજાય શકે.