- ભાજપે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલને બનાવ્યા મુખ્યપ્રધાન
- 27 દિવસમાં જ ભાજપે બદલવો પડ્યો નિર્ણય
- ગુજરાતમાં લાંબા સમયથી ભાજપ માટે નેતૃત્વ સંકટ ચાલી રહ્યું છે
અમદાવાદ: ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેના પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP)એ મુખ્યપ્રધાન બદલી દીધા છે. કોઇને જાણ પણ ન થઈ અને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ ધરી દીધું અને જોત જોતામાં જ ભૂપેન્દ્ર પટેલ તરીકે રાજ્યને નવા મુખ્યપ્રધાન મળ્યા. આ બધું ત્યારે થયું જ્યારે અંદાજે 27 દિવસ પહેલા જ ભાજપે જાહેરાત કરી હતી કે વર્ષ 2022ની ચૂંટણી વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં લડવામાં આવશે.
શું કહ્યું હતું સીઆર પાટિલે?
નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાત છોડી દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા છે, ત્યારથી ગુજરાતમાં ભાજપ માટે નેતૃત્વ સંકટ ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદીના ગયા પછી આનંદી બેન પટેલને કમાન મળી, તેમના વિરુદ્ધ લોકોનો આક્રોષ વધતા વિજય રૂપાણીને કમાન સોંપવામાં આવી. તાજેતરમાં જ વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા. ત્યારે (16 ઓગસ્ટ) ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે નિવેદન આપ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વિજય રૂપાણી, નીતિન પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. કારણ કે રાજ્યમાં લાંબા સમયથી નેતૃત્વને લઇને પ્રશ્ન ઉભા થઈ રહ્યા હતા, આવી સ્થિતિમાં પાર્ટીએ જણાવ્યું હતું કે બંને જ નેતા સારું કામ કરી રહ્યા છે, તેથી ફેરફારની જરૂર નથી લાગતી.
ભાજપે કેમ નિર્ણય લેવો પડ્યો?
2017ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય રૂપાણી મુખ્યપ્રધાન હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ વચ્ચે કોરોના સંકટ દરમિયાન રાજ્ય સરકારની કામગીરી પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, જેના કારણે વિજય રૂપાણી પ્રત્યે રોષ વધી રહ્યો હતો. ઉપરાંત પટેલ સમુદાયની નારાજગી લાંબા સમયથી ભાજપ સામે હતી.
ભાજપે અનેક રાજ્યોમાં બદલ્યા મુખ્યપ્રધાન
આવી સ્થિતિમાં તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા મુખ્યપ્રધાનનો ચહેરો બદલી નાંખ્યો અને પટેલ સમાજના ભૂપેન્દ્ર પટેલને તક આપી. ભાજપે છેલ્લા કેટલાક દિવસોમાં કર્ણાટક, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન બદલ્યા છે. ઉપરાંત ચૂંટણી બાદ આસામમાં નેતૃત્વમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો: કડવા પાટીદાર રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન બનવાથી જૂનાગઢ જિલ્લાની વિધાનસભાઓમાં શું પડી શકે છે ફર્ક? જુઓ
વધુ વાંચો: વિધાનસભા ચૂંટણીના 15 મહિના પહેલા કેમ વિદાય થયા વિજય રૂપાણી?