- 22 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ
- શ્રાવણ પૂર્ણિમાએ નારિયેળી પૂનમ
- રાખડી બાંધવા સવારે શ્રેષ્ઠ મુર્હત
અમદાવાદ: 22 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે. રક્ષા કરવા માટે રક્ષાનું સૂત્ર બાંધવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમાએ સમગ્ર દેશમાં રક્ષાબંધન ઉજવાશે. પુરાણો અને ગ્રંથોમાં અનેક જગ્યાએ તેનો ઉલ્લેખ છે.
આ પણ વાંચો- #RakshaBandhan આજે રક્ષાબંધન, ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર
બૃહસ્પતિએ બાંધી હતી દેવોને રક્ષા
જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયાએ ETV Bharatને જણાવ્યું હતુ કે, રક્ષાબંધન પાછળની એક કથા અનુસાર દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. જેમાં દાનવ વધુ શક્તિશાળી સાબિત થયા અને દેવોની શક્તિ ક્ષીણ થતી ગઈ. આથી દેવગુરુ બૃહસ્પતિએ શ્રાવણ પૂર્ણિમાએ અક્ષત અને પીળા સરસવને રેશમના કપડામાં સાથે બાંધીને તેને મંત્રોચ્ચાર વડે શક્તિશાળી કરી દેવોને રક્ષા બાંધી. જેથી દેવો યુદ્ધમાં વિજયી બન્યા. ત્યારથી આ પર્વ ઉજવવાની શરૂઆત થઇ છે.
જૂના સમયમાં પુરોહિત રાજા અને યજમાનને રક્ષા બાંધતા
સામાન્યતઃ જૂના સમયમાં પુરોહિત રાજા અને યજમાનને રક્ષા બાંધતા હતા, પરંતુ કોઈપણ વ્યક્તિ અન્ય કોઇને રક્ષા બાંધી શકે છે. જો કે, કાળક્રમે હવે બહેન ભાઈને રક્ષા બાંધે તેવી પરંપરા બની ચૂકી છે.
શાસ્ત્રોમાં રક્ષાનો ઉલ્લેખ
શાસ્ત્રોમાં રેશમ, ચાંદી અને સોનાની રક્ષાનો ઉલ્લેખ થયેલો છે. ભદ્રા સમયે રક્ષા બંધાતી નથી. તેથી રક્ષા બાંધતી વખતે ભદ્રા સમય ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. જો કે, આ રક્ષાબંધન પહેલાં જ ભદ્રા સમય પૂર્ણ થાય છે. એટલે સમગ્ર દિવસે રક્ષા બાંધી શકાય છે. જો કે, રક્ષા બાંધવા માટે મુર્હત અનુસરતા લોકો માટે સવારે 7:55થી બપોરે 12:40 સુધી અને બપોરે 2: 25થી બપોરના 4 વાગ્યા સુધીનો સમય ઉત્તમ રહેશે.
આ પણ વાંચો- કોરોનાએ રક્ષાબંધનની ઉજવણીનો ટ્રેન્ડ બદલ્યો, લોકોએ વર્ચ્યુઅલ રક્ષાબંધન ઉજવી
બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલશે
રક્ષાબંધનની સાથે શ્રાવણી પૂનમને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. જેમાં દરિયાખેડુઓ અષાઢ મહિના બાદ શ્રાવણી પૂનમના દિવસે પોતાની હોડીની પૂજા કરીને તેને દરિયામાં ઉતારે છે. દરિયાદેવને નારિયેળ અર્પણ કરે છે. તો આ દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે.