- કાપડની થેલીનો ઉપયોગ કરવા માટેની પહેલ
- 83 વર્ષીય વાસંતીબેન રાવલ જાતે કાપડની થેલી બનાવી કરે છે વિતરણ
- આજ દિન સુધી 1 હજારથી વધુ થેલીઓનું કર્યું વિતરણ
અમદાવાદ: જિલ્લામાં સમાજ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી સમજી વાસંતીબેન સૌ કોઈને પ્લાસ્ટિક ફરીવાર ઉપયોગ ન કરવાની શરતે કાપડની થેલીઓ આપે છે. તેઓ નજીકના દરજી પાસેથી વેસ્ટમાં નીકળતું કાપડ ખરીદી અને જાતે થેલીઓ બનાવે છે.
કાપડની થેલીનો વિચાર કઈ રીતે આવ્યો?
વાસંતીબેનનું કહેવું છે કે, જે પ્લાસ્ટિકની થેલીઓ આપણે વાપરી રહ્યા છીએ તેનું વર્ષો સુધી નિકાલ નથી થતો. તેને જમીનમાં દાટીએ તો પણ વર્ષો સુધી તેનો નાશ નથી થતો. આમ તેમ ફેંકી દેતા નિર્દોષ પશુઓના પેટમાં જતા બેમોત તેઓ મોતને ભેટી રહ્યા છે. આ જોઈને મને થયું કે મારે કાપડની થેલીનું વિતરણ કરવું જોઈએ.
દરેક થેલી સાથે સંદેશ પાઠવતી નોટ પણ સિવવામાં આવી રહી છે
લોકોમાં આ કાર્યને લઈ જાગૃતતા આવે તે માટે તેમના પુત્ર આશુતોષ રાવલ એક નોટના માધ્યમથી થેલીમાં એક મેસેજ મૂકે છે. જેમાં પાલસ્ટિકનો ઉપયોગ લોકો ટાળે તે માટેનો સંદેશ લખવામાં આવ્યો છે.
નજીકની ગ્રોસરી શોપના વેપારી પણ વિશેષ કામગીરીને આવકાર આપી રહ્યા છે
અત્યાર સુધી કુલ 1 હજાર જેટલી થેલીઓ સિવીને વાસંતીબેને નજીકની ગ્રોસરી શોપમાં આપી છે. અહીંના વેપારીઓનું કહેવું છે કે, આ ઉંમરે પણ સમાજ તરફની તેમની નિષ્ઠા પ્રશંસનીય છે અને જ્યારે અમે ગ્રાહકોને કાપડની મજબૂત થેલીઓ આપીએ છીએ ત્યારે ફરી વાર સમાન લેતી વખતે તેઓ તે જ થેલી લાવે છે.