- 100 કલાક સમયદાન શૈક્ષણિક યજ્ઞનું આયોજન
- અભ્યાસક્રમ ઘટાડવાની માંગ હતી પરંતુ હવે રજાના દિવસે પણ ભણાવવામાં આવશે
- 2 લાખથી વધુ શિક્ષકોને ચાલુ દિવસ સિવાય પણ સ્કૂલે આવવું પડશે
ગાંધીનગર : શિક્ષણપ્રધાન જીતુભાઈ વાઘાણી, શિક્ષણ રાજ્યપ્રધાન કિર્તિસિંહ વાઘેલા અને પ્રાથમિક - માધ્યમિક શિક્ષણના સચિવ દ્વારા રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તમામ સ્તરના શિક્ષક સંઘો સાથે બેઠક કરી સર્વાનુમતે 100 કલાક(Teachers of Gujarat will give samaydan 2021)સ્વૈચ્છિક સમયદાન આપવાનો સંકલ્પ કરાયો છે.
વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો : વાઘાણી
શિક્ષણપ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યભરની શાળાઓમાં 100 કલાક “સમયદાન” શૈક્ષણિક યજ્ઞનું વિશેષ આયોજન કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે, મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. કોવિડ-19ની પરિસ્થિતિને લીધે લાંબા સમય સુધી શાળાઓ બંધ રહી તેથી બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા માટે રાજ્યનો શિક્ષણ વિભાગ સંકલ્પબદ્ધ છે.
બે લાખ શિક્ષકો વધારાનું શિક્ષણ કાર્ય કરી 100 કલાક સમયદાન આપશે
આ શૈક્ષણિક યજ્ઞ અંતર્ગત રાજ્યના બે લાખથી વધુ શિક્ષકો શાળા સમય ઉપરાંત વધારાનું શિક્ષણ કાર્ય કરી 100 કલાક સમયદાન આપશે. આ સમયદાન યજ્ઞ ડિસેમ્બર-2021થી 15 એપ્રિલ-2022 સુધી આયોજન કરાશે. શાળાઓ પોતાની રીતે આયોજન કરી શાળા સમય પહેલા અથવા શાળા સમય બાદ સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાત મુજબ વધારાના શિક્ષણ કાર્યનું સ્વૈચ્છિક રીતે આયોજન કરશે. આ માટે શાળાઓ ઇચ્છે તો રવિવાર અને અન્ય જાહેર રજાના દિવસે અનુકુળતા મુજબ શિક્ષણ કાર્યનું આયોજન કરી શકશે.
ધોરણ 1 થી 5માં વાંચન, ગણન અને લેખનને કેંદ્રમાં રાખી શિક્ષણ કાર્ય કરાશે
ધોરણ 1 થી 5માં વાંચન, ગણન અને લેખનને કેંદ્રમાં રાખી શિક્ષણ કાર્ય કરવામાં આવશે. ધોરણ 6 થી 8માં કઠિન બિંદુઓની તારવણી કરી તે મુજબ શિક્ષણ કાર્ય કરવામાં આવશે. ધોરણ 9 થી 12માં વિષયના ભારણ પ્રમાણે તેમજ લિંકિંગ ચેપ્ટર મુજબ વિશેષ શિક્ષણ કાર્ય હાથ ધરાશે. ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કચાશ રહી ગયેલા પ્રકરણો અને મુદ્દાઓની તારવણી કરી વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.
નિવૃત શિક્ષકો, સ્થાનિક તાલિમી સ્નાતકો તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને જોડાશે
સમયદાનની આ કામગીરીમાં સ્વૈચ્છિક રીતે નિવૃત શિક્ષકો, સ્થાનિક તાલિમી સ્નાતકો તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને જોડાવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ સમયદાન યજ્ઞમાં રાજ્યના શિક્ષકો દ્વારા અંદાજે બે કરોડથી વધુ માનવ કલાક બાળકો અને શિક્ષણના હિતમાં સ્વૈચ્છિક રીતે આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યની ધોરણ 1 થી 8ની પ્રાથમિક સરકારી/ગ્રાંટેડ/ખાનગી મળી કુલ 43,540 શાળાઓ અને ધોરણ 9 થી 12ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી/ગ્રાન્ટેડ/ખાનગી/અન્ય મળી કુલ 12445 શાળાઓના જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓને લાભ મળશે.
આ પણ વાંચો : શૈક્ષણિક વર્ષ 2021-22માં 100 ટકા અભ્યાસક્રમ સાથે યોજાશે પરીક્ષા, શિક્ષણ વિભાગનો નિર્ણય