રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવક થતાં માર્કેટ યાર્ડ સત્તાધીશોએ મગફળીની આવક હાલ પુરતી બંધ કરી હતી. બીજી તરફ મગફળીની હરાજીમાં 20 કિલોના ભાવ રૂ. 600થી લઈને રૂ. 1035 સુધીનાં બોલાયા હતા. આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં દરરોજ મગફળીની 30,000 ગુણીનું વેચાણ જોવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રભરમાં આ વર્ષે ઘણા વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે મગફળીનો પાક નિષ્ફળ જવા પામ્યો છે. તેમ છતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવકો જોવા મળી છે. જો કે વરસાદમાં પલળેલી મગફળીઓને પગલે ખેડૂતોને મગફળી સૂકવીને લાવવાની ફરજ પડી હતી.
સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સતત પડેલા વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં મગફળીનો પાક પલળી ગયો હોવાથી માર્કેટ યાર્ડમાં સારી ગુણવત્તાની મગફળીની આવકો જોવા મળતી નથી. તેમજ ખેડૂતોને મગફળીના ઉત્પાદન ખર્ચ કરતાં વધુ પોષણક્ષમ ભાવો ન મળતા હોવાથી ખેડૂતો માટે મગફળીનો પાકમાં ઘાટ કરતા ઘડામણ મોંઘું જેવો ઘાટ ઉભો થાય છે.