- સમગ્ર ગુજરાતને અસર કરી તૌકતે વાવાઝોડાએ
- વાવાઝોડા દરમિયાન એસટી સેવા રહી હતી બંધ
- બુધવારથી એસ.ટી સેવાઓ ફરી પૂર્વવત કરાઈ
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં 'તૌકતે' વાવાઝોડાએ કહેર વરસાવ્યા બાદ ફરીથી જનજીવન થાળે પડવા માંડ્યું છે. સરકાર તરફથી પણ રાહત પેકેજની ઘોષણા થઇ છે. જ્યારે વાવાઝોડામાં વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની પ્રશંસા થઈ રહી છે. આ જ પગલાં અનુસાર વાવાઝોડા દરમિયાન સમગ્ર રાજ્યમાં એસ.ટી સેવાઓ નિલંબીત કરવામાં આવી હતી. જેને બુધવારથી પૂર્વવત કરાઈ છે.
જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન
એસ.ટી નિગમના સચિવ કે.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસર ઓછી થતા એસ.ટી. વિભાગે સેવાઓ પૂર્વવત કરવા નિર્ણય લીધો છે. તમામ ડેપોમાં સંચાલન શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. રસ્તા સારા હોય અને કોઈ અડચણ ન હોય ત્યાં એસ.ટી બસના રૂટ શરૂ કરવા સૂચના અપાઈ છે. ભાવનગર અને અમરેલીમાં સર્વે કર્યા બાદ રૂટ શરૂ કરવા સૂચના અપાઈ છે. વાવાઝોડામાં રાજુલા, બગસરા અને ઉના એસ.ટી.સ્ટેશન પર સામાન્ય નુક્સાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એસ.ટી નિગમના 125 ડેપોની મળીને 1 હજાર ટ્રીપ શરૂ કરી દેવાઈ છે.