અમદાવાદઃ કૃષિ બિલનો ચારેકોરથી વિરોધ થતા મોદી સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર તેની જોગવાઈઓની ચર્ચા શરૂ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કૃષિ બિલને ખેડૂતો માટે રક્ષા કવચ ગણાવ્યું છે અને ખેડૂતોનો જે વિરોધ છે, તે મુદ્દે કહ્યું છે તે એપીએમસી બંધ થવાની નથી અને એમસીપી ચાલુ રહેશે. તેમ છતાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીના આશ્વાસન છતાં વિરોધ પક્ષો અને ખેડૂતો દ્વારા આંદોલન છેડાયું છે.
આર્થિક ઉદારીકરણ પછી 2020માં કૃષિ ક્ષેત્રે ઉદારીકરણ શરૂ થયું છે. કૃષિ ક્ષેત્રે સુધારા જરૂરી હતા અને ખેડૂતોને ચોક્કસ વળતરના દ્વાર ખૂલશે. તેમ છતાં આ વાતને ખેડૂતો સ્વીકારવા તૈયાર નથી. કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી વિદેશી કંપની અથવા તો દેશની કંપનીઓ ખેતીવાડી ક્ષેત્રમાં પ્રવેશ કરશે. ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં મોદી સરકાર પગલા લઈ રહી છે, પણ ખેડૂત સમાજ તેનો વિરોધ કરી રહ્યું છે. ખેડૂતો અને આર્થિક જગતના નિષ્ણાતોને ડર છે કે, લાંબાગાળે એપીએમસી બંધ થઈ જશે. કારણ કે, નવા કૃષિ બિલની જોગવાઈઓ અનુસાર ખેડૂતો ભારતના કોઈપણ બજારમાં માલ વેચી શકશે કે જ્યાં તેને ઊંચો ભાવ મળે છે. ટૂંકમાં વચેટિયાઓ નીકળી જશે.