- કચ્છના છ વર્ષના હર્ષને સ્પેનની માતાએ દત્તક લીધો
- જન્મદાત્રી માતાએ હર્ષને જન્મ આપ્યાના બીજા જ દિવસે ત્યજી દીધો હતો
- કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓએ અશ્રુભીની આંખે હર્ષને આપી વિદાય
અમદાવાદ: છ વર્ષના હર્ષને દત્તક લેવા માટે સ્પેનની નોર્મા નામની મહિલાએ કચ્છની સંસ્થાનો સંપર્ક કર્યો હતો. લોકડાઉનને કારણે નોર્મા અંદાજે છ મહિના પછી ભારત આવી શક્યા અને બાળકને કાયદાકીય રીતે દત્તક લીધો છે. કચ્છમાં મહિલા કલ્યાણ કેન્દ્ર અને કારા સંસ્થાના સહયોગથી અનાથ બાળકોનું પાલનપોષણ થાય છે. જન્મના બીજા દિવસે જ હર્ષને તેની જન્મદાત્રી માતા કચ્છમાં ક્યાંક છોડીને જતી રહી હતી. જન્મના ચાર મહિના પછી ખબર પડી કે આ બાળક મુંગો અને બહેરો છે. કોકેલ થેરપી દ્વારા આજે હર્ષ કાનના મશીનથી સાંભળી શકે છે અને બોલી પણ શકે છે.
નોર્માએ માતૃત્વ આપવા બદલ ભારતનો માન્યો આભાર
સ્પેનની માતા નોર્મા માર્ટિનીસે હર્ષને દત્તક લીધો અને કહ્યું કે, "ભારતનો આભાર, મને આ બાળકનું માતૃત્વ આપવા બદલ." તેમણે આ પ્રસંગે આશ્રમના દરેક વ્યક્તિને મળીને આભાર પ્રગટ કર્યો હતો. જ્યારે સંસ્થાએ હર્ષને તેની નવી માતા નોર્માને સોંપવાની તૈયારી કરી ત્યારે અંતિમ પળોમાં તે તેની સંસ્થામાં રહેલી બહેનોને મળીને ખૂબ રડ્યો હતો, અને હર્ષને રોતો જોઈને સંસ્થાની તમામ દીકરીઓની આંખમાં પણ અશ્રુધારા વહી હતી. આ ભાવુક પળને જોઈને કચ્છ પોલીસ અધિકારી સૌરભસિંહની પણ આંખો ભીની થઈ ગઈ હતી, અને તેનો બોલી શકયા ન હતા. તેમણે એટલું જ કહ્યું કે, જિંદગીમાં હું આવું પ્રથમ વખત જોઈ રહ્યો છું.
હર્ષને આનાથાલયની બહેનોએ લાડકોડથી ઉછેર્યો હતો
છ વર્ષના હર્ષને સંસ્થાની દીકરીઓ અને બહેનોએ એટલો લાડકોડથી ઉછેર્યો હતો કે, તે એક પળ પણ તેમનાથી દૂર રહી શકતો ન હતો. જ્યારે તેને ખબર પડી કે તે એકલો જ જઈ રહ્યો છે, ત્યારે તે ચોધાર આંસુએ રડી પડ્યો હતો.
સ્પેનની માતા પણ રડી પડી
જ્યારે નોર્માએ હર્ષને દત્તક લીધો ત્યારે તે પણ રડી પડી હતી. આ દરમિયાન નોર્માએ તેને ખોળામાં બેસાડીને હસાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો, પણ ભાવુક પળ જોઈને તેની આંખમાં આસુ આવી ગયા હતા.
દત્તક લેનારી માતા શિક્ષિકા છે
હર્ષને દત્તક લેનારી સ્પેનિશ માતા નોર્મા વેનેસા માર્ટિનેસ રુઈઝ સીંગલ છે અને સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ધનતેરસના દિવસે ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં સંસ્થાના સંચાલક ઈલાબહેન અંજારીયા, પ્રમુખ કમળાબહેન વ્યાસ અને જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની ઉપસ્થિતિમાં હર્ષને સ્પેનની માતાને સુપ્રત કર્યો હતો.