અમદાવાદઃ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે સોમવારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન અને સહકારી અગ્રણી જયેશ પટેલ તેમજ શૈક્ષણિક અને સહકારી અગ્રણી વસંત પટેલને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપામાં આવકાર્યા હતા.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત, નિર્ણાયક અને પ્રજાભિમુખ નેતૃત્વથી પ્રેરાઈને આજે જયેશ પટેલ અને વસંત પટેલ ભાજપમાં જોડાયા છે. ત્યારે તેઓ તેમને આવકારે છે. તેઓ કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારોની ખેડૂતલક્ષી યોજનાઓને વધુ અસરકારક રીતે જનતા વચ્ચે લઈ જઇ લાભાર્થીઓને વધુમાં વધુ લાભ અપાવવા માટે સતત કાર્યરત રહેશે તેવો તેમને સંપૂર્ણ વિશ્વાસ છે.
કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, જયેશ પટેલ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમજ તેઓ સુમુલ ડેરીમાં 20 વર્ષથી ડિરેક્ટરની જવાબદારી નિભાવી રહ્યા છે. આ ઉપરાંત ઓલપાડ ચોર્યાસી ખરીદ વેચાણ સંઘના 15 વર્ષ સુધી પ્રમુખ તરીકેની, પરષોત્તમ ફાર્મર્સ મંડળીના પ્રમુખ, ક્રિપકો ડેલીગેટ, તેમજ ઓલપાડ કોલેજ સંચાલક મંડળના ઉપપ્રમુખ સાહિતની જવાબદારીઓ નિભાવી ચૂકેલા છે. જ્યારે વસંત પટેલ સોનલખારા દૂધમંડળીના ચેરમેન તરીકેની જવાબદારી તેમજ શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ જવાબદારી નિભાવી રહ્યા છે. આ બંને અનુભવી સહકારી અગ્રણીઓ ભાજપમાં જોડાવાથી ચોક્કસપણે ભાજપાની શક્તિમાં ઉમેરો થશે.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, કેબિનેટ મંત્રીઓ ગણપત વસાવા, ઈશ્વરસિંહ પરમાર, ધારાસભ્યો હર્ષ સંઘવી, મુકેશ પટેલ, સુરત જિલ્લા પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, સુરત જિલ્લા મહામંત્રી સંદિપ દેસાઈ, પૂર્વ ધારાસભ્યો કિરીટ પટેલ, ધનસુખ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.