અમદાવાદઃ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડને લગભગ એક મહિના જેટલો સમય થઈ ગયો છે, ત્યારે આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે તેવી માગ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ, શબાના હાશ્મી અને અન્ય 500થી વધુ મહાનુભાવો દ્વારા કરવામાં આવી છે.
તિસ્તા સેતલવાડ, શબાના હાશ્મી સહિતના મહાનુભાવોએ રજૂઆત કરી છે કે, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં પોલીસ દ્વારા ખૂબ જ હળવી કલમ લગાડી આરોપીને છુટોદોરો આપવાનો કારસો કરાયો છે. પોલીસ દ્વારા IPCની કલમ 304 મુજબ ગુનો દાખલ કરવાની જરૂર હતી. આ સમગ્ર દુર્ઘનમાં 8 દર્દીઓના મોત નીપજ્યાં છે. આ સાથે જ તેમણે હોસ્પિટલમાં પૂરતા સાધનો અને CCTV કેમરા પણ બંધ અવસ્થામાં હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં શ્રેય હોસ્પિટલના સંચાલક અને રાજકીય વગ ધરાવતા ભરત મહંતને હળવી કલમનો ફાયદો મેળવી જામીન આપી દેવામાં આવી છે, જ્યારે અન્ય 2 કર્મચારીઓના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ કેસમાં ભીનું સંકેલાઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.