● અમદાવાદમાં રહે છે શિવભક્ત હસમુખ પટેલ
● ભગવાન શિવની 470 પેઇન્ટિંગ્સ બનાવ્યાં
● 12 જ્યોતિર્લિંગ ખાતે શિવદર્શન યોજ્યું
ન્યૂઝ ડેસ્ક: સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અનેક શિવાલયો આવેલા છે. કાશી, સોમનાથ, હિમાલય જેવી જગ્યાઓ શિવ આરાધના માટે વિખ્યાત છે. તમામ શિવાલયો શ્રાવણ માસમાં શિવ ભક્તોથી ગુંજી ઉઠશે. ત્યારે અમદાવાદમાં જોધપુર ખાતે રહેતા હસમુખ પટેલની વાત કરીએ જેઓ ભગવાન શિવના અનોખા ભક્ત છે. તેઓ છેલ્લાં 18 વર્ષથી ભગવાન શિવ પર ચિત્રો બનાવી રહ્યાં છે.
અનુપમેશ્વર મહાદેવની કૃપા
હસમુખ પટેલ જણાવે છે કે, તેમના ઘરની પાસે અનુપમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તેથી તેઓને મહાદેવની કૃપા મળી છે. તેઓ કાળા અને લાલ રંગના મિશ્રણથી આ ચિત્રો બનાવે છે. 2006માં તેમણે આ ચિત્રો સોમનાથ લઈ જવાનું નક્કી કર્યું. બાદમાં તેમણે સોમનાથથી ચિત્રોને બાર જ્યોતિર્લિંગ ખાતે લઇ જઇને શિવદર્શન યોજ્યું.
ચિત્રોમાં શિવની વિવિધ મુદ્રા
ભારતમાં દર શ્રાવણ માસમાં તેઓ કોઈ એક જ્યોતિર્લિંગ ખાતે પોતાના ચિત્રોનું પ્રદર્શન યોજે છે. યાત્રામાં અનેક નાની તકલીફો પડી છે, પરંતુ ભગવાનની કૃપાથી તેઓ સલામત રહ્યાં છે. આ ચિત્રો તેઓ પોતાના વિચારથી દોરે છે, આ માટે તેમને કોઈ ચિત્રકલાનું શિક્ષણ લીધું નથી. તેમના વિચારોથી દોરેલા ચિત્રો તે શિવમહાપુરાણના પ્રસંગોને મળતા આવે છે. આ ચિત્રો ભગવાન શિવની વિવિધ મુદ્રાઓ રજૂ કરે છે. આવા 470 ચિત્રો તેમણે બનાવ્યાં છે.
એક સમયે હસમુખ પટેલ ઈશ્વરને માનતા નહોતાં
અનુપમેશ્વર મંદિરના પૂજારી મનીષ જાનીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનો આવે તે પહેલા એક મહિનાથી મંદિરમાં તૈયારીઓ શરૂ થઇ જાય છે. દરરોજ સવારે મંદિરમાં શિવપૂજા થાય છે. ભગવાનને જુદા-જુદા વેશનો શણગાર કરવામાં આવે છે. પંદર વર્ષથી હસમુખ પટેલે અહીં સેવા આપી રહ્યાં છે. શિવને માનતા પણ નહોતાં તે આજે તેમના ભક્ત થઈ ગયાં છે. ભગવાન શિવને ફૂલ શૃંગાર, પશુપતિનાથ શૃંગાર, ગંગાજીનો શૃંગાર બરફ શૃંગાર જેવા શૃંગાર કરવામાં આવે છે. અમાસના દિવસે તેમને પંચમુખી શ્રૃંગાર કરવામાં આવે છે, જે પ્રકૃતિના પંચતત્વનું પ્રતીક છે. જેનાથી આપણું શરીર બને છે.
કેમરા મેન મુકેશ ડોડીયા સાથે આશિષ પંચાલનો વિશેષ એહવાલ