- મોટેરા સ્ટેડિયમ છે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ
- 63 એકરમાં પથરાયેલું સ્ટેડિયમ
- 1.10 લાખ લોકોની બેઠક ક્ષમતા
અમદાવાદઃ શહેરમાં 25 વર્ષ જુના મોટેરા સ્ટેડિયમને સંપૂર્ણપણે તોડીને સાત વર્ષ બાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પરિવર્તિત કરવામાં આવ્યુ છે. જ્યાં 24 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાંથી ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થશે. આ સ્ટેડિયમ 63 એકરમાં પથરાયેલું છે. તેમજ 1.10 લાખ લોકોની બેઠક ક્ષમતા છે.
વડાપ્રધાનનો ડ્રિમ પ્રોજેકટ
આ સ્ટેડિયમને વિશ્વકક્ષાનું બનાવવું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાનો એક પ્રોજેકટ હતો. 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા પહેલા તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડન્ટ હતા. ત્યારબાદ જીસીએના પ્રમુખ તરીકે અમિત શાહ પણ રહ્યાં, તેઓએ તથા ધનરાજ નાથવાણીએ આ વિશાળ પ્રોજેક્ટ પૂરો કરવા માટે કમાન સંભાળી હતી. તેમના બાદ વર્તમાન એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહે અને ધનરાજ નથવાણીએ આ સ્ટેડિયમને આખરી ઓપ આપ્યો.
સ્ટેડિયમની વિશેષતા
આ સ્ટેડિયમના આર્કિટેક્ટ ઓસ્ટ્રેલિયન કંપનીના છે. 'લાર્સન એન્ડ ટુબ્રો' તેના ડેવલપર છે. સ્ટેડિયમમાં 76 એરકન્ડિશન કોર્પોરેટ બોક્સ છે, દરેકમાં 25ની બેઠક ક્ષમતા છે. ખેલાડીઓ દરેક ઋતુમાં પ્રેક્ટિસ કરી શકે તે માટે ઇન્ડોર પ્રેક્ટિસ પીચ પણ તૈયાર કરાઈ છે આ ઉપરાંત મુખ્ય મેળાએ 11 પીચ તૈયાર કરાઇ છે. જેમાં લાલ માટીની 06 પીચ અને કાળી માટીની 05 પીચ તૈયાર કરવામાં આવી છે. જે ફાસ્ટ બોલરો અને સ્પિનરોને તેમની ક્ષમતા અનુસાર મદદ કરે છે.
ઓલ વેધર ગ્રાઉન્ડ
આ સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે કુલ ચાર ડ્રેસિંગ રૂમ છે. જે વિશ્વના અન્ય સ્ટેડિયમોમાં હોય તેના કરતાં વધુ છે. આ સ્ટેડિયમની 'ઓલ વેધર' સ્ટેડિયમ પણ કહી શકાય તેમ છે. કારણ કે, વરસાદ બાદ અડધો કલાકમાં જ મેદાનમાંથી પાણી વહી જાય અને રમત શરૂ થઈ શકે તેવી સબ સોઈલ ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. સ્ટેડિયમની વિશેષતા એ છે કે, 360 ડીગ્રીથી તમે મેદાનના કોઈપણ ભાગથી પીચ ઉપર ઉભેલા ખેલાડીને જોઈ શકો છો. આ ઉપરાંત સ્ટેડિયમમાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, બાસ્કેટબોલ, બોક્સિંગ વગેરે જેવી રમતો માટે પણ ખેલાડીઓને તૈયાર કરવાની એકેડમી આવેલી છે.
હજારો ગાડીઓના પાર્કિંગની વ્યવસ્થા
અત્યાધુનિક બોક્ષ પણ અહીં બનાવવામાં આવ્યું છે. ક્રિકેટ મેચ વખતે અહીં આવતાં હજારો પ્રેક્ષકોના વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરાઈ છે. સ્ટેડિયમના સંચાલકોનો દાવો છે કે, અહીં 05 હજાર ગાડીઓ મૂકવાની ક્ષમતા છે. તો 20 હજાર ટુ વ્હીલર પાર્કિંગની પણ ક્ષમતા છે. સ્ટેડિયમની અંદર પ્રવેશ કરતાં એક ભવ્ય 'હોલ ઓફ ફેમ' આવે છે. જેમાં વિશ્વના ક્રિકેટરોની યાદગાર તસવીરો સાથે તેમના સહી કરેલા અનેક બેટ પણ મુકવામાં આવ્યાં છે. તમારા ટુ વ્હીલર સાથે તમે સંપૂર્ણ સ્ટેડિયમનું ચક્કર લગાવી શકો છો.
સ્ટેડિયમને મળશે કનેક્ટિવિટી
દરેક બેઠક બોક્ષમા ફૂડ કોર્ટ અને હોસ્પિટાલીટી વિસ્તાર હશે. સ્ટેડિયમ સુધી ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીની વાત કરીએ તો બીઆરટીએસ અને નિર્માણાધીન મેટ્રો દ્વારા કનેક્ટિવિટી પણ મળી રહેશે. જ્યારે શરૂઆતની મેચ રમાવાની છે, જેની ટિકિટ 300 થી લઈને 3000 રૂપિયા સુધીની છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી મેચની ટિકિટ ઓનલાઇન વેચાતી હતી. જે હવે 20 તારીખથી સ્ટેડિયમ ઉપર ઓફલાઈન પણ મળવાની શરૂ થશે.