- તૌકતે વાવાઝોડાથી ગુજરાતના દરિયાઈ જિલ્લાઓમાં જાન-માલની હાનિ
- વડાપ્રધાને ગુજરાતમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ
- કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત માટે 1 હજાર કરોડની સહાયની જાહેરાત કરાઈ
અમદાવાદ: રાજ્યમાં ઘણા વર્ષો બાદ કોઈ વાવાઝોડાએ તબાહી મચાવી છે. ગુજરાતના દરિયાકાંઠેથી પ્રવેશીને રાજ્યભરમાં તબાહી સર્જનારુ તૌકતે વાવાઝોડું શાંત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જ્યારબાદ રાજ્યને રૂપિયા 1 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ વાવાઝોડાના અસરગ્રસ્ત જિલ્લાઓનું કર્યું હવાઈ નિરિક્ષણ, જૂઓ વીડિયો
વડાપ્રધાનનું હવાઈ નિરીક્ષણ
વાવાઝોડાને કારણે થયેલા નુક્સાનનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં તેઓ ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે એરફોર્સના પ્લેનમાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ મૂલ્યાંકન કર્યું હતું. તેમણે ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જેવા વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી રવાના થઈ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં વાવાઝોડાની નહિવત અસર
અમદાવાદ એરપોર્ટ પર બેઠક
અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, અધિક અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય સચિવ જયંતિ રવિ, મહેસુલ સચિવ પંકજકુમાર અને ડિઝાસ્ટર સચિવ હર્ષદ પટેલ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ તેમને ગુજરાતમાં વાવાઝોડાના સહાયતા પેકેજ માટે 1 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. જેમાં તૌકતે વાવાઝોડાના મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા, જ્યારે ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાની સહાયનો સમાવેશ થાય છે.