અમદાવાદઃ કોરોના વાઇરસને કારણે લોકડાઉનમાં બે મહિના સુધી તમામ પ્રકારના કામ ધંધા બંધ રહ્યા હતા. રેસ્ટોરન્ટ પણ બંધ રહી હતી, જેથી રેસ્ટોરન્ટ માલિકોએ કર્મચારીઓને પગારની ચુકવણી કરવી પણ મુશ્કેલ બની હતી. ત્યારે રેસ્ટોરન્ટ માલીકોએ રેસ્ટોરન્સને 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવા દેવાની માગ કરી છે.
હવે ધીરે ધીરે સરકાર દ્વારા છૂટછાટ આપતા રેસ્ટોરન્ટ માલિકોને નવી આશા બંધાઈ છે. સૌપ્રથમ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાનો સમય રાત્રીના આઠ વાગ્યા સુધીનો હતો, ત્યારબાદ તેને વધારીને નવ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. તેમજ અનલોકની આ પ્રક્રિયામાં ફરી એકવાર સમય મર્યાદા વધારીને 10 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં રેસ્ટોરન્ટ માલિકોનું કહેવું છે કે,લોકડાઉનમાં છુટ આપ્યાને બે મહિના વીતી ચૂક્યા હોવા છતાં ગ્રાહકો રેસ્ટોરન્ટમાં જોવા મળતા નથી. વળી ખર્ચ તો પહેલા જેટલો જ છે. કોરોના વાઇરસના કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ રખાતા ગ્રાહકોને બેસાડવાની કેપેસિટી ઘટી છે. જ્યારે સેનીટાઈઝર અને સ્વચ્છતાને લઈને ખર્ચ વધ્યા છે, તેમજ દંડ થાય એ વધારામાં.
રેસ્ટોરન્ટ માલિકોનું કહેવું છે કે, મોટે ભાગે રાત્રિના સમયે જ ગ્રાહકો રેસ્ટોરન્ટમાં આવે છે. ત્યારે આગામી સમયમાં તહેવારોને જોતા 10 વાગ્યાનો સમય પૂરતો કહેવાય નહીં, ઓછામાં ઓછા 11 વાગ્યા સુધીનો સમય રેસ્ટોરેન્ટ ચાલુ રાખવા માટે મળવો જોઈએ, નહીંતર કરફ્યુ ઉઠાવવાનો શું મતલબ?