- માસ્ક અંગે ETV ભારતનું રિયાલિટી ચેક
- મોટા ભાગના લોકો રસ્તા પર માસ્ક સાથે જોવા મળ્યા
- માસ્ક વિનાના લોકોએ કેમેરો જોઈને માસ્ક ચઢાવ્યું
અમદાવાદ: શહેરમાં કોરોનાના વધતા કેસને લઈને ગુજરાત હાઇકોર્ટે પણ તેની નોંધ લીધી હતી અને માસ્ક નહીં પહેરનારા સામે દંડ વસુલવા સહિત કોવિડ કેર સેન્ટરમાં 5થી 6 કલાક સેવા આપવા અંગે રાજ્ય સરકારને પરિપત્ર બહાર પાડવા હુકમ કર્યો હતો.
માસ્ક અંગે ઈટીવી ભારતે શરૂ કરી ઝુંબેશ
માસ્ક અંગે ઈટીવી ભારત દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે માસ્ક અંગે ઈટીવી ભારત દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે વસ્ત્રાપુરમાં રસ્તેથી પસાર થતા મોટા ભાગના લોકોના મોઢે માસ્ક જોવા મળ્યું હતું. ગાડીમાં બેઠેલા લોકોના મોઢે પણ માસ્ક જોવા મળ્યું હતું. તો કેટલાંક લોકો એવા પણ હતા જેમના ચહેરા પર માસ્ક નહતું. ત્યારે ઈટીવી ભારતના કેમેરામાં કેદ થતાં જ મોઢે તરત માસ્ક પહેરી લીધું હતું. જે ઘટના પણ કેમેરામાં કેદ થઈ હતી. તો કેટલાક લોકો બહાનું પણ બનાવતા હતા કે, માસ્ક પહેર્યું હતું પણ આ તો 2 મિનિટ માટે નીચે ઉતાર્યું છે. તો કેટલાક લોકો કહેતા કે, માસ્ક પહેરેલું જ છે પણ તમે જોયું નહીં.
હાઈકોર્ટના આદેશ અને દંડથી બચવા લોકો માસ્ક પહેરે છે
ઈટીવી ભારત દ્વારા ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા અને માસ્ક પહેર્યું હોય તેવા લોકો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, હાઇકોર્ટે તાજેતરમાં જે આદેશ આપ્યો હતો કે, માસ્ક નહીં પહેરનારને કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવી અને રૂપિયા 1 હજારનો દંડ ભરવો. તેની બીકે પણ લોકોએ માસ્ક પહેર્યું હતું.
હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે
બુધવારે હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે, માસ્ક નહીં પહેરનારા વ્યક્તિને જ્યારે પોલીસ પકડે ત્યારે દંડ સિવાય તેમની પાસે કોવિડ કેર સેન્ટરમાં ડ્યૂટી કરાવવી. આ અદેશને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટે આ આદેશ પણ સ્ટે આપ્યો છે.
ઈટીવી ભારતની જનતાને અપીલ
ઈટીવી ભારત લોકોને અપીલ કરે છે કે, દંડથી કે અન્ય સજાથી બચવા નહીં પરંતુ પોતાની અને અન્યની સલામતી માટે લોકોએ માસ્ક અવશ્ય પહેરવું જોઈએ. માસ્ક પહેરવાના કારણે કોરોનાનું સંક્રમણ વધતા અટકાવી શકાય છે.