- અમદાવાદમાં કરફ્યૂ પૂર્ણ થયા બાદનું રિયાલિટી ચેક
- ભદ્ર-ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં હમ નહીં સુધરેંગે જેવી સ્થિતિ
- જમાલપુર શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
અમદાવાદ: દિવાળી બાદ વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી અમદાવાદ સહિત ગુજરાતના ચારેય મહાનગરોમાં રાત્રી કરફ્યૂનું એલાન કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં બે દિવસ દરમિયાન કરફ્યૂ લાદવામાં આવ્યો હતો ત્યારબાદ સોમવારે વહેલી સવારે પૂર્ણ થયો હતો. જે અંગે અમદાવાદ શહેરના ભીડભાડાવાળા વિસ્તારોનું ઇટીવી ભારતે રિયાલિટી ચેક કરવામાં આવતા હમ નહિ સુધરેંગે જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. 57 કલાકના કોરોના ગ્રહણ બાદ પણ પરિસ્થિતિ જેવી હતી તેવી જ જોવા મળી રહી છે. તમામ વેપારીઓ સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર તથા મોટી સંખ્યામાં ખરીદી કરવા આવેલા લોકો બજારોમાં જોવા મળી રહ્યા છે.
માસ્ક વગર જોવા મળે તો કડક કાર્યવાહી કરવાના આદેશ
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. શહેરીજનોએ પણ કરફ્યૂમાં સાથ આપતા ઘરની બહાર નીકળ્યા નહતા અને ચુસ્ત પાલન કર્યુ હતું. જોકે, સોમવારથી હવે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સૂરતમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે. કોરોના મહારમારીના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાર મહાનગરોમાં ઘરની બહાર જો તમે માસ્ક પહેર્યા વગર બહાર નીકળ્યા તો 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
ભીડ ભેગી ન કરવા CM રૂપાણીની સૂચના
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યુવાઓને અપીલ કરી છે કે સાંજથી રાત દરમિયાન રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે સ્થળો પર ટોળે વળીને ન ઉભા રહો અને બિન જરૂરી અવર જવર ન કરો. વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, કોવિડ હોસ્પિટલોમાં તમામ પ્રકારની તૈયારીઓથી સજ્જ છે માટે રાજ્યની પ્રજાને ડરવાની કોઇ જરૂર નથી. લોકોએ નિયમોનું પાલન કરવું જરૂરી છે.