અમદાવાદઃ દર વર્ષે ચોમાસામાં રસ્તાની હાલત બિસ્માર બનતી હોય છે. જેના લીધે કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલું બજેટ ખોરવાઈ જતું હોય છે. ત્યારે ચોમાસા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડને રિસરફેસ કરવાની કામગીરી કરવામાં આવે છે. જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 10 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે.
જેમાં સરખેજ, બોડકદેવ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, ગોતા, થલતેજ, એસજી હાઇવે, જોધપુર, બોપલ અને શીલજ સહિતના વિસ્તારોમાં અંદાજે રૂપિયા 10 કરોડના ખર્ચે RCC રોડ અને રસ્તાઓના રિસરફેસની કામગીરી કરવામાં આવશે. જેથી થોડા દિવસો બાદ આ વિસ્તારમાં રોડ રીપેરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલા ગાર્ડનને સ્માર્ટ ગાર્ડન તરીકે વિકસાવવાનો નિર્ણય ગાર્ડનમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે.
શહેરમાં પાણીનો નિકાલ, ડ્રેનેજ, નવા વિસ્તારમાં પાણી પુરુ પડવાની સુવિધાઓ, પાણીનું પ્રેસર વગેરેના કામોને પણ મંજુરી આપવામાં આવી છે. નવરંગપુરા- મેમનગરમાં ડ્રેનેજ પંપિગ સ્ટેશન, ગુલબાઇ ટેકરા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર વિસ્તૃતીકરણ, વેજલપુર અને સાબરમતીમાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર, 1 કરોડના ખર્ચે 10 નવા પાણીના બોર, 30 કરોડના ખર્ચે ચાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ચાંદલોડિયા સ્ટોર્મ વોટર પંપિગ સ્ટેશન બનાવાશે.