- ઘાટલોડિયામાં દુષ્કર્મ આચરનાર બે આરોપીની ધરપકડ
- આરોપીએ 7 લાખથી વધુ રૂપિયા છેતરપિંડીથી પડાવ્યાં
- પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ ઘાટલોડિયામાં એસઆરપીના જવાનની દીકરી બે વર્ષ પહેલાં યુનિર્વસિટીમાં આવેલા રિસ્ટ્રેટો કાફેમાં બેસવા જતી હતી, ત્યારે કુલદીપ જૈન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તે દરમિયાન કુલદીપે યુવતીને કહ્યું હતું કે, ‘હું આખો દિવસ ધંધાના કામથી બહાર રહું છું, માત્ર રાતે ઘરે સૂવા આવું છું, તો તારા ઘરે મને રહેવા દે.’ ત્યારે યુવતીએ કુલદીપને રાતે તેના ઘરે સૂવા માટે માતાપિતાની મંજૂરી અપાવી હતી. ત્યાર બાદ કુલદીપે હોટેલોમાં લઈ જઈ સંબંધ બાંધતો હતો. કુલદીપે ધંધામાં સારો નફો મળશે તેવી વાત કરી 7.17 લાખ પડાવી લીધાં હતાં. જ્યારે મોનાના પિતાના ક્રેડિટ કાર્ડમાંથી કુલદીપે તેના મિત્ર આકાશ ચૌધરીને પૈસા આપ્યાં હતાં. જ્યારે યુવતી, તેની બહેન અને માતાએ પૈસા પાછા માગતાં કુલદીપ અને આકાશે તેમને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મોનાએ કુલદીપ અને આકાશ સામે ફરિયાદ નોંધાવી છે.
કુલદીપે યુવતીની મોટી બહેન પાસે 50 હજાર ધંધામાં રોકાણ કરવા લીધાં હતાં, જેની સામે 55 હજાર પાછાં આપ્યાં હતાં. જેથી પરિવારને વિશ્વાસ આવતાં તેમણે ટુકડે-ટુકડે કુલદીપને વધુ રૂપિયા આપ્યાં હતાં. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.